ગુજરાત
News of Friday, 3rd May 2019

બોપલમાં વકીલ સાહેબબ્રીજ નીચેથી બાઇકની ચોરી કરાઈ

શહેરમાં વાહનચોરીના વધી રહેલી ઘટનાઓ : એમબીએમાં અભ્યાસ કરનારની વાહન ચોરીની ફરિયાદ

અમદાવાદ,તા. ૨ : જો તમે શહેરના બ્રિજ નીચે વાહન પાર્ક કરીને જાઓ છો તો તમારું વાહન હવે સુરક્ષિત નથી, કારણ કે શહેરના જુદા જુદા વિસ્તારમાં બ્રિજ નીચેથી વાહનચોરી કરતી ગેંગ સક્રિય બની છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહનચોરીની ઘટનાઓ અને બનાવો નોંધનીય રીતે વધ્યા છે તેમછતાં શહેર પોલીસ દ્વારા આવી વાહનચોરી કરતી ગેંગ કે તેના સાગરિતો સામે અસરકારક કાર્યવાહી થતી નહી હોઇ નાગરિકોમાં પોલીસની ભૂમિકાને લઇને પણ આક્રોશ વ્યાપી રહ્યો છે. ગઈકાલે બોપલ વિસ્તારમાં આવેલ વકીલસાહેબ બ્રિજ નીચે એમબીએમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રૂપિયા ૧.૧ર લાખની કેટીએમ બાઈક પાર્ક કરી સાણંદ ખાતે ટ્રેનિંગમાં ગયો હતો, તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની વિગત એવી છે કે, શહેરના બોપલ-ઘુમા રોડ પર આવેલ દેવ એક્ઝોટિકામાં રહેતા અને એમબીએમાં અભ્યાસ કરતા ઉપેન્દ્રસિંહે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં વાહનચોરીની ફરિયાદ કરી છે. ઉપેન્દ્રસિંહ હાલ અભ્યાસ સાથે બાવળામાં આવેલ એસ.કે.એફ. બેરિંગ કંપનીમાં ટ્રેનર છે. ઉપેન્દ્રસિંહ હાલ ભાડાના મકાનમાં રહે છે. થોડા દિવસ પહેલાં ટ્રેનિંગ ખાતે જવા માટે વકીસસાહેબ બ્રિજ નીચે સવારના દસ વાગ્યાના સમયગાળામાં પોતાની પાસે રહેલ કેટીએમ બાઈક કે જેની કિંમત ૧.૧ર લાખની હતી તે બ્રિજ નીચે પાર્કિંગ કરીને કંપનીની બસમાં બેસીને ટ્રેનિંગમાં ગયો હતો. ત્યારબાદ ઉપેન્દ્રસિંહ ટ્રેનિંગ પૂરી કરીને સાંજે પરત આવતાં તેણે પાર્ક કરેલી જગ્યા પર પોતાની બાઈક ન જોતાં ગભરાઈને આમતેમ શોધખોળ કરી હતી. પરંતુ તે ક્યાંય જોવા મળી ન હતી. આથી ઉપેન્દ્રસિંહે પોતાની કેટીએમ બાઈક ચોરી થઇ હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં કરી  હતી અને પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ એક ઘટના નથી, શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટુ વ્હીલર કે ફોર વ્હીલરની ચોરીની ઘટનાઓ નોંધનીય રીતે વધી રહી છે તેમ છતાં પોલીસ નિષ્ક્રિય થઇને બેસી રહી હોય તેવી નાગરિકોમાં ફરિયાદ ઉઠવા પામી છે.

(9:11 pm IST)