ગુજરાત
News of Friday, 3rd May 2019

આરટીઇ હેઠળ ૨૫ બાળકો પ્રવેશથી વંચિત રહે તેવી વકી

૧.૨૮ લાખ અરજીઓ વધુ આવતા પડકાર : ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે અરજીઓ કરનારા બાળકોની કેટેગરી વાઇઝ સોફટવેર મારફતે પ્રવેશ યાદી તૈયાર થશે

અમદાવાદ,તા. ૨ : રાઇટ ટુ એજ્યુકેશન એકટ-આરટીઇ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરનાર બાળકોના વાલીઓને આગામી તા.પમી મે બાદ પ્રવેશ ફાળવણીના મેસેજ મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. સાથે સાથે આ વર્ષે રિસિવિંગ સેન્ટરમાં બેન્કો કરતાં ૧.ર૮ લાખ વધુ અરજી આવી હોવાથી રપ ટકા બાળકો પ્રવેશથી વંચિત રહેવાની શક્યતા છે. જો કે, હાઇકોર્ટના અગાઉના નિર્દેશ અને સરકારને તાકીદ બાદ કોઇપણ બાળક આરટીઇ હેઠળ પ્રવેશથી વંચિત ના રહી જાય તે માટેની સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવાવી જોઇએ તેવી માંગણી પણ વાલીઓમાં ઉઠવા પામી છે. ગત એપ્રિલમાં પહેલા અઠવાડિયાથી આરટીઇ અંતર્ગત ઓનલાઇન પ્રારંભ થયો હતો. આ વર્ષે આ પ્રક્રિયા મોડી શરૂ થઇ છે. પરંતુ હવે પહેલી પ્રવેશ યાદી તા.૬ મેના રોજ જાહેર થશે. હાલમાં ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે અરજી કરનારા બાળકોની કેટેગરી વાઇઝ સોફટવેર દ્વારા પ્રવેશ યાદી તૈયાર થઇ રહી છે. જે વિદ્યાર્થીને પ્રવેશ મળશે તેને એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. નહીં તો તેમનું એડમિશન રદ થશે. આ વર્ષે રાજ્યભરમાં ઉપલબ્ધ ૧.૯૯ લાખ બેઠક સામે ર.૪પ લાખથી વધુ અરજી આવી હોવાથી રપ ટકા જેટલાં બાળકો આરટીઇમાં પ્રવેશ મેળવશે કે કેમ તેને લઇ શંકા છે. આ વર્ષે ૧.ર૮ લાખ વધુ અરજી આવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની આરટીઇ હેઠળ પ્રવેશ માટેની ૧૯ હજારથી વધુ બેઠકો સામે ૩પ હજાર જેટલા ફોર્મ ભરાયાં છે. આ વર્ષે રિસિવિંગ સેન્ટરમાં આવેલી અરજીઓનું પ્રમાણ વધ્યું છે. શહેર ગ્રામ્યની ગુજરાતી માધ્યમની ૪૪૦, હિન્દી ૮૦ અને અંગ્રેજીની રપપ અને ઊર્દૂ માધ્યમની ત્રણ સહિત સીબીએસઇની તમામ શાળાઓનો સમાવેશ કરાયો છે. લઘુમતી શાળાઓમાં આરટીઇ પ્રવેશ અંગેનો મુદ્દો હાઇકોર્ટમાં હોઇને વાલીઓએ પોતાનાં જોખમે લઘુમતી શાળામાં પ્રવેશ અપાવવાનો રહેશે ત્યારબાદ કોર્ટનો જે કોઇ ચુકાદો આવે તે મુજબ માન્ય રાખવો પડશે.

(9:11 pm IST)