ગુજરાત
News of Friday, 3rd May 2019

રાજ્યમાં બાંધકામ સાઈટ પર 144 અકસ્માતોના બનાવ :137 કામદારોના મોત

બોર્ડની સ્થાપના બાદ 990 મજૂરોના મોત પરંતુ માત્ર 44 જેટલા કામદારોના પરિવારોને સહાય

 

અમદાવાદ :રાજ્યમાં વિવિધ બાંધકામ દરમિયાન 2018માં 144 બાંધકામ સાઈટ પર અકસ્માતો થયા હતા જેમાં 137 કામદારોના મોત નીપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં બાંધકામ મજૂર સંગઠને રાજ્યના વિવિધ જિલ્લામાંથી આરટીઆઈના માધ્યમથી કામદારોના અકસ્માત અને મોતના આંકડા મેળવ્યા હતાં જેમાં જામનગર જિલ્લો અને સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારના આંકડા ઉપલબ્ધ થયા ના હોઈ આમાં સામેલ નથી

  . ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ કામદારોના કલ્યાણ માટે સેસ કલેકશનરૂપે 2200 કરોડની જંગી રકમ એકઠી કરી છે, પરંતુ તેમાંથી નજીવું કહી શકાય તેવી રીતે માત્ર 44 કામદારોના મોતના કિસ્સામાં પીડિત પરિવારોને સહાય ચૂકવી છે.

    સમગ્ર દેશમાં ખેતી પછી બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે એક અભ્યાસ મુજબ દરરોજ કામના સ્થળે 38 જેટલા કામદારોના અકસ્માતે મોત થાય છે. વિશ્ર્વ કામદાર સ્મૃતિ દિને બાબત જાહેર થઈ હતી કે, સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ઉદ્યોગમાં બોર્ડની સ્થાપનાને લઈને ગુજરાતભરમાં અત્યાર સુધી 990 મજૂરોના મોત નિપજ્યા હતાં. જેમાંથી માત્ર 44 જેટલા કામદારોના પરિવારોને રૂ. 82 લાખની સહાય અપાઈ હતી.

(10:32 pm IST)