ગુજરાત
News of Thursday, 3rd May 2018

અમદાવાદ-ગાંધીનગર વચ્‍ચે બે નવા રીંગ રોડ બનશેઃ કોઇપણ ટ્રાફિકની સમસ્‍યા વગર બાયપાસ રોડથી સડસડાટ ગાંધીનગર પહોંચી જવાશે

અમદાવાદઃ અમદાવાદ-ગાંધીનગરને જોડતા વધુ બે નવા રિંગરોડ હવે ટૂંક સમયમાં આકાર લઇ રહ્યા છે, જેના કારણે ટ્રાફિકની કોઇ પણ સમસ્યા વગર બાયપાસ રોડથી સડસડાટ ગાંધીનગર પહોંચી જવાશે.

અમદાવાદની આસપાસનો વિસ્તાર હવે વિકસી રહ્યો છે તેવી જ રીતે ગાંધીનગરથી અમદાવાદને જોડતી હદની આસપાસનો વિસ્તાર પણ વિકસી રહ્યો છે. તેથી ગુડા દ્વારા હવે અમદાવાદ-ગાંધીનગરને જોડતા બે રિંગ રોડ બનાવાશે, જેમાં એક રિંગરોડ નરોડા-ચિલોડાને સાંકળતો બનશે જેનું કામ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

જેમાં વલાદ, પિરોઝપુર, લવારપુર, પ્રાંતિયા, મોટી સિંહોલી અને ચિલોડા સહિતનાં ગામને સાંકળી લેવાશે, જ્યારે આ રિંગરોડની પહોળાઇ ૯૦ ફૂટની રહેશે, જ્યારે એસજી હાઇવેને સાંકળતો રિંગરોડ ૮૦ ફૂટ પહોળાઇનો હશે, જેમાં ઉવારસદ, અડાલજ, પોર, અંબાપુર અને કુડાસણ સહિતનાં ગામને સાંકળી લેવાશે.

એટલું જ નહીં, એસજી હાઇવેથી ગાંધીનગરને જોડતા રસ્તામાં આવતા કુડાસણ, સરગાસણ, ઉવારસદ, તારાપુર સહિતનાં ગામના રોડ પણ ૬૦ ફૂટ પહોળાઇના કરાશે, જ્યારે ચિલોડા તરફ જતાં આવતાં ગામ મોટી સિંહોલી, પ્રાંતિયા, ચિલોડા, ડભોડા, વલાદ અને પિરોઝપુર ગામના રસ્તાને ૬૦ ફૂટ, ૪પ ફૂટ અને ૩૬ ફૂટ પહોળા કરાશે.

રતનપુર-ચિલોડા હાઇવે ૯૦ ફૂટ પહોળો કરાશે, જ્યારે સાબરમતીથી ગાંધીનગરને જોડતા કુડાસણ, રાયસણ અને કોબાના રસ્તાને ૮૦ ફૂટ પહોળો કરાશે, જ્યારે કુડાસણ, વાવોલ, પેથાપુર, કોલવડા, રાંધેજા અને તારાપુરને જોડતા રસ્તાને ૩૦ ફૂટ પહોળા કરાશે.

ગાંધીનગરની રચના થઇ ત્યારે તેના રસ્તા સીધા બનાવાયા હતા. હવે સેકટર-૩૦ પછી ગુડા (ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ) દ્વારા નવા ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે અમદાવાદ-ગાંધીનગરને જોડતા ૮૦ અને ૯૦ ફૂટ પહોળાઇના બે રિંગ‌રોડ ઉપરાંત ૧ર ગામડાંને સાંકળતા રસ્તા બનાવવાનાં કામ શરૂ થઇ ચૂકયાં છે.

નવા રિંગરોડની સુવિધાથી ટ્રાફિક જામ, વાહન અકસ્માત સહિતની સમસ્યામાં ઘટાડો થશે. ટ્રાન્સપોર્ટેશન વધુ ઝડપી અને સુરક્ષિત બને તે માટે આખું નવું માળખું ઘડવામાં આવ્યું છે, જેની કામગીરીની શરૂઆત પાટનગરના સચિવાલયને જોડતા રસ્તા ઉપરાંતના મુખ્ય રસ્તાઓના વાઇડનિંગથી શરૂ કરાઇ છે.

(5:55 pm IST)