ગુજરાત
News of Wednesday, 3rd March 2021

હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન કોને સોંપાશે ?:અર્જુન મોઢવાડિયા ,જગદીશ ઠાકોર, હાર્દિક પટેલના નામની ચર્ચા

ઇન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા NSUI ની માંગ: વિપક્ષના નેતા તરીકે દાણીલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઉનાના ધારાસભ્ય પુંજા વંશના નામની ચર્ચા

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ વિપક્ષ નેતા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામું હાઈકમાન્ડને મોકલ્યું હતુ. હાઈકમાન્ડે તેમનું રાજીનામું સ્વીકાર કરી લીધું છે. જોકે જ્યાં સુધી નવા વિપક્ષ નેતા અને પ્રદેશ અધ્યક્ષની વરણી ના થાય ત્યાં સુધી પરેશ ધારાણી અને અમિત ચાવડા હોદ્દા પર રહેશે. હવે તેમની જગ્યાએ નવા ચહેરા કોણ તેના પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. બંને મોટા પદ માટે માર્ચ સુધીમાં નિર્ણય લઇ શકાય છે.

6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસી કારમી હાર થઇ હતી. ત્યારબાદ વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધારાણી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજીનામું આપ્યું હતુ. જેને હાઈકમાન્ડે સ્વીકાર કરી લીધું છે. હવે પ્રદેશ કોંગ્રેસમાં બે મોટા પદ માટે મંથન શરૂ થયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટે અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર અને પાટીદાર નેતા હાર્દિક પટેલના નામની ચર્ચાઓ થઇ રહી છે. જ્યારે વિપક્ષના નેતા તરીકે દાણીલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઉનાના ધારાસભ્ય પુંજા વંશના નામની ચર્ચા છે

  ગુજરાત યુથ કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયૂઆઈના કાર્યકર્તાઓએ ગુજરાત કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગ કરી છે. કોંગ્રેસના યુવા કાર્યકરોનું કહેવું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ, બેરોજગાર યુવાનો, જગતના તાત ખેડૂતો અને નાના વેપારીઓ તેમજ શ્રમિકોને થતા અન્યાય સામે ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સતત અવિરત લડત આપતા આવ્યા છે. યુવા કોંગ્રેસ કાર્યકરોનું કહેવું છે કે ઇન્દ્રવિજય સિંહ ગોહિલ જ ગુજરાતમાંથી ભાજપના શાસનને જડમૂળથી ઉખાડી શકે છે. યુવા કાર્યકરોએ ઇન્દ્રવિજયસિંહ ગોહિલને એકવાર તક આપવાની માંગ કરી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરો બાદ જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ માટે અત્યંત ખરાબ પરિણામો આવ્યા છે. કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. મહત્વપૂર્ણ છે કે પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લા ઘણાં સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. ટિકિટ વહેંચણીને લઇને પણ આક્ષેપો થયા છે. આ ઉપરાંત કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ રહી છે

(10:07 pm IST)