ગુજરાત
News of Wednesday, 3rd March 2021

સરદાર સરોવર નર્મદા યોજના અન્વયે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતને 6934.19 કરોડ વસુલવાના બાકી

ત્રણેય રાજ્યોને છેલ્લા બે વર્ષથી દર મહિને ઉઘરાણીના પત્રો લખાય છે : પ્રશ્નોતરીકાળ દરમ્યાન નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે લેખિતમાં જવાબ આપ્યો

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ પાણી પુરૂ પાડે છે પરંતુ આ ત્રણેય રાજ્યો પાસેથી ગુજરાતે 6 હજાર 934 કરોડ રૂપિયા વસૂલવાના બાકી હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલે લેખિતમાં જવાબ આપ્યો છેજે મુજબ ડિસેમ્બર-2020ની પરિસ્થિતિએ આ ત્રણેય રાજ્યો પાસેથી ગુજરાતે નાણાં વસુલવાના બાકી છે.

મધ્ય પ્રદેશ પાસેથી કુલ 4 હજાર 764.35 કરોડ વસુલવાના બાકી છે. તો મહારાષ્ટ્ર પાસેથી 1 હજાર 627.66 કરોડ રૂપિયા લેણાં છે. જ્યારે કે રાજસ્થાન પાસેથી 542.18 કરોડ રૂપિયા લેવાના બાકી છે. ગુજરાત સરકાર ત્રણેય રાજ્યોને છેલ્લા બે વર્ષથી દર મહિને ઉઘરાણીના પત્રો લખે છે. આમ છતાં ત્રણ પૈકી એક પણ રાજ્યએ હજુ સુધી તેમની બાકી રકમ ચૂકવી નથી.

નદીઓને ભારતની પરંપરામાં માતા ગણવામાં આવે છે. નર્મદા નદીને પણ આવી આસ્થા સાથે જ લોકો જોવે છે. નર્મદા નદી ગુજરાત માટે જીવાદોરી છે. દરિયાની સપાટીથી 1057 મીટરની ઊંચાઈ ધરાવતી મધ્યપ્રદેશના અમરકંટકની ગિરિમાળામાંથી નીકળે છે. કુલ 1312 કિલોમીટર લાંબી નર્મદા નદી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યોમાંથી પસાર થઈને ભરૂચ જિલ્લા નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં વિલિન થાય છે.

 

આઝાદ ભારતના તત્કાલિન નાયબ વડાપ્રધાન અને દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલના સપના સમાન નર્મદા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેથી વિશ્વના દ્વિતિય ક્રમાંકના સૌથી ઊંચા બંધને સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં દરિયાઈ સપાટીથી 530 ફૂટ ઊંચાઈ પર આવેલા નવાગામ ખાતે આવેલો છે.

 

આઝાદી પહેલા 1946માં ગુજરાતના પનોતા પુત્ર અને લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે વચગાળાની તત્કાલિન સરકારમાં જોડાતાની સાથે જ નર્મદા યોજનાના સ્વપ્નને સાકાર કરવાનો વિચાર રજૂ કર્યો હતો. 1959માં નર્મદા યોજનાની વિધિવત દરખાસ્ત કરવામાં આવી હતી. 5 એપ્રિલ-1961ના રોજ નર્મદા બંધનો શિલાન્યાસ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર-1969માં ટ્રિબ્યૂનલની રચના અને 12 ડિસેમ્બર-1979ના રોજ ટ્રિબ્યૂનલનો આખરી ચુકાદો આવ્યો હતો. એપ્રિલ-1987માં કોક્રીટ ગ્રેવીટી ડેમના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. 24 જૂન-1987ના રોજ યોજનાને પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી. 5 ઓક્ટોબર-1988ના રોજ આયોજન પંચ દ્વારા 6406 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

(9:40 pm IST)