ગુજરાત
News of Wednesday, 3rd March 2021

કોરોનાકાળમાં અમદાવાદ મનપા પાસે ફદિયાના ફાંફા : અલગ-અલગ વિભાગના 500 કરોડના બિલો અટક્યા

બિલ તૈયાર કરી દેવાયા પરતું નાણાં ખાતા દ્વારા બીલની ચુકવણી નહિ કરતા નાણાકીય ખેંચ

અમદાવાદ : કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નાણાંકીય સ્થિતિ કથળી હોવાની સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કોરોના કાળમાં સરકારમાંથી ગ્રાન્ટ રિલીઝ ન થતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ-અલગ ડિપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટરોના કરોડોના બિલ અટક્યા છે.

 અમદાવાદ મનપાના વિવિધ વિભાગો દ્વારા બિલ તો તૈયાર કરી દેવામાં આવ્યા હતા પરતું નાણાં ખાતા દ્વારા બીલની ચુકવણી કરવામાં આવી નથી. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા બીલ પાસ થઈ રહ્યા ન હોવાની બૂમો પાડવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ-અલગ ડિપાર્ટમેન્ટ જેવા કે સોલિડ વેસ્ટ, રોડ, ડ્રેનેજ સહિત મોટા વિભાગોના 500 કરોડથી વધુના બિલ અટક્યા હોવાનું જાણવા મળ્યું છે.કોન્ટ્રાક્ટરોના બીલ પાસ ન થતા હોવાની અસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ-અલગ કામો પર પડી રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળમાં અત્યાર સુધીમાં 500 કરોડથી વધું ખર્ચ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે 81 કરોડ જ આપ્યા હોવાનું વાત છે. જેથી AMCમાં નાણાંકીય ખેંચ ઊભી થઈ છે. જો કે આ મામલે AMCના એકપણ અધિકારી કંઈપણ કહેવા તૈયાર નહિ. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે સરકાર સાથે મીટીંગ પણ કરવામાં આવી હતી. તેમજ રાજ્ય સરકાર દ્વારા જલ્દીથી ગ્રાન્ટ પાસ કરવામાં આવે તે અંગે ભલામણ કરવામાં આવી હતી

(8:17 pm IST)