ગુજરાત
News of Wednesday, 3rd March 2021

ગુજરાતમાં દરરોજ 46 બાળમૃત્યુ : છેલ્લા બે વર્ષમાં 32.885 શિશુના મોત : બનાસકાંઠામાં સૌથી વધુ

રાજ્યમાં વર્ષ 2019માં 17,453 અને વર્ષ 2020માં 15432 બાળ મૃત્યુ થયા

અમદાવાદ : અન્ય રાજ્યોમાં બાળકોના મોત મામલે સવાલ ઉઠાવતી ગુજરાત સરકાર ખુદ સવાલોના ઘેરામાં આવી ગઇ છે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજ્યમાં બાળમૃત્યુ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં સરકારે રજૂ કરેલા આંકડામાં ચોકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં 2 વર્ષમાં 32 હજાર, 885 બાળકોના મોત થયા છે, એટલે કે દરરોજ 46 લોકોના બાળમૃત્યુ થયા છે.

  બનાસકાંઠામાં બે વર્ષ 2019-20માં સૌથી વધુ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 2019માં બનાસકાંઠામાં 1370 બાળકોના મોત થયા હતા જ્યારે 2020માં 1290 બાળકોના મોત થયા છે. 2019માં દાહોદ જિલ્લામાં પણ 1105 બાળકોના મોત થયા હતા. જોકે, 2020માં આ રેશિયો ઘટ્યો હતો અને 440 બાળકોના મોત થયા હતા. કચ્છમાં પણ સૌથી વધુ બે વર્ષમાં 1803 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

  સુરતમાં બે વર્ષમાં સૌથી વધુ 99 બાળકોના મોત થયા છે. ભરૂચમાં 44, અમરેલીમાં 23, બોટાદમાં 16, પોરબંદરમાં 12 બાળકોના મોત થયા છે. ગુજરાતમાં બે વર્ષમાં રાજ્ય બહારના 231 બાળકોના મોત થયા છે.

  રાજ્યમાં વર્ષ 2019માં 17,453 અને વર્ષ 2020માં 15432 બાળ મૃત્યુની ઘટનાઓ બની છે. એટલે કે વર્ષ 2018માં સરેરાશ 48 અને 2020માં સરેરાશ 42 જેટલા કુમળા બાળકોના મોત થયા છે. રાજ્ય સરકાર દાવા કરે છે કે બહારના રાજ્યોના બાળકો મોટી સંખ્યામાં સારવાર લેવા આવતા હોવાથી આ મૃત્યુના દર વધુ છે પરંતુ બે વર્ષમાં માત્ર બહારના રાજ્યોના બાળકોના માત્ર 231 મૃત્યુ નોંધાયેલા છે.

(7:53 pm IST)