ગુજરાત
News of Wednesday, 3rd March 2021

આઇશાના આપઘાત બાદ પરિવારજનો દુઃખી : મોટી બહેનને આઘાતમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો

આઈશા આપઘાત કેસમાં પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર: મોબાઈલ ફોનના સીડીઆરની વિગતો પણ પોલીસ મેળવશે

અમદાવાદ : શહેરનો ચકચારી આઈશા આપઘાત કેસમાં પતિ આરીફને આજે અમદાવાદ મેટ્રોપોલીન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરતું ત્રણ દિવસમાં રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. આઈશાના મોતને લઈ મોટી બહેનને આઘાત લાગતા બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે

શહેરના વટવા વિસ્તારમાં રહેતી આઇશાએ રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આઇશાના આપઘાતથી પરિવાર પર આભ ફાટ્યો છે. મૃતક આઇશાની મોટી બહેનને આઘાતના કારણે બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેથી ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરીફના એક્સ્ટર્નલ સબંધને લઈને તપાસ કરાશે. મોબાઈલ ફોનના સીડીઆરની વિગતો પણ પોલીસ મેળવશે અને કોની કોની સાથે વાત કરી છે તે તમામ માહિતી મેળવવામાં આવશે.

આ અંગે આઈશાના વકીલે જણાવ્યું હતુ કે, આઈશાને આરીફના અન્ય વ્યકિત સાથેના સંબધો લગ્નના થોડા જ સમયમાં ખબર પડી ગઈ હતી અને આરીફ આઇશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર વાતો કરતો હતો. પોતાની પ્રમિકાને કારણે આરીફ આઇશાને અનેક વાર તેના પિતાના ઘરે મૂકી ગયો હતો. આમ, આઇશાના આપઘાત માટે પતિના લગ્નેત્તર સંબંધો હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરાયો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આઈશાનો આપઘાત પહેલાનો વીડિયો અને તેના માતા-પિતા સાથેની વાતચીતની ઓડિયો કલીપે તમામ લોકોને હચમચાવી દીધી છે. આઇશાને લગ્નના બે મહિનામાં જ આરીફ પરેશાન કરવા લાગ્યો હતો. આરીફને અન્ય યુવતી ગમતી હતી. જોકે, આરીફે લગ્ન પહેલા આઇશાને આ વાત કરી નહોતી. આરીફ પ્રેમિકા માટે થઈને આઇશાને એકવાર અમદાવાદ મૂકી ગયો હતો. આ સમયે તે ગર્ભવતી હતી.

(7:32 pm IST)