સુરતના કતારગામ વિસ્તારમાં હીરાની ફેક્ટરીમાંથી નોકરી કરી ઘરે જતી યુવતીને અજાણ્યા વાહને હડફેટે લેતા યુવતીનું કમકમાટીભર્યું મોત
સુરત: શહેરના કતારગામની હીરાની ફેકટરીમાંથી નોકરી પુરી કરીને મોડી સાંજે ઘરે જઇ રહેલી યુવતીની મોપેડને વરાછા બ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતા ઇજાગ્રસ્ત યુવતીનું મોત થયું હતું. વાહનચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટયો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ લંબે હનુમાન રોડ પર વિરાટ નગર સોસાયટીમાં રહેતી 21 વર્ષીય નિશા કિશોરભાઈ બાળઘા કતારગામ ખાતે ડાયમંડ કંપનીમાં ગેલેરી ડિઝાઇનિંગનું કામ કરતી હતી. સોમવારે મોડીસાંજે કામ પુર્ણ કરીને મોપેડ પર ઘરે આવવા નીકળી હતી તે સમયે વરાછા ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહનચાલકે મોપેડને અડફટે લીધી હતી. જેમાં તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટી હતી. નિશા મૂળ અમરેલીના ધારી તાલુકાના સરસીયા ગામની વતની હતી. તેનો એક ભાઈ છે. તેના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. ટક્કર મારી ભાગી ગયેલા વાહનચાલક સામે ગુનો નોંધી કાપોદ્રા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.