ગુજરાત
News of Wednesday, 3rd March 2021

વડોદરા:પોલીસથી બચવા નશાની હાલતમાં ભાગેલ શખ્સને પોલીસે ઘરે જઈને ઝડપી પાડયો

વડોદરા: શહેરમાં પોલીસથી બચવા માટે નશેબાજ પોતાની બાઇક લઇને ભાગી છૂટયો હતો.રાવપુરા  પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી આરોપીને ઘરે જઇ ઝડપી લીધો હતો.અને નશામાં બાઇક ચલાવવા અંગેનો ગુનો દાખલ  કરી તેની ધરપકડ કરી હતી.

આજે સવારે રાવપુરા પોલીસનો સ્ટાફ ખાદી ગ્રામોદ્યોગ ભવન પાસે વાહન ચેકિંગની કામગીરી કરતો હતો.તે દરમિયાન સાડા અગિયાર વાગ્યે એક બાઇક ચાલક પોતાની બાઇક વાંકીચુકી ચલાવીને આવતો હોય,પોલીસે ઇશારો કરીને તેને ઉભો રહેવા માટે જણાવ્યુ હતુ.પરંતુ,બાઇકચાલક ઉભા રહેવાના બદલે ભાગી ગયો  હતો.પોલીસે બાઇકનો નંબર નોંધી લીધો હોય,પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી પોલીસે બાઇકના માલિકનું નામ સરનામુ મેળવીને તેના ઘરે પહોંચી ગઇ હતી.બાઇકના માલિક અજય રામકૃપા તિવારી (રહે.પરશુરામનો ભઠ્ઠો સયાજીગંજ) ની પૂછપરછ કરતા તે બાઇક  પોતાની હોવાનુ જણાવ્યું હતું.તેના ઘરે તેનો ભાઇ સુનિલ તિવારી પણ હાજર હતો.સુનિલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે,હું દારૃ પીધેલી હાલતમાં હોય રાવપુરા રોડ પરથી ભાગી આવ્યો છું.પોલીસે બ્રેથ એનલાઇઝર થી ચેક કરતા સુનિલ નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી,પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.

(5:31 pm IST)