ગુજરાત
News of Wednesday, 3rd March 2021

સ્થાનિક સ્વરાજય ક્ષેત્રે ૨૦૧૫ માં થયેલ નુકસાનનું વ્યાજ સહીત ફળ મળ્યુ : પાટીલ

પ્રજાએ મુકેલ વિશ્વાસ તુટવા નહીં દઇએ : અપેક્ષાઓથી સારૂ પરિણામ આપવા જનપ્રતિનિધિઓ તત્પર રહેશે

અમદાવાદ તા. ૩ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે મહાનગરપાલીકા પછી નગરપાલીકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપને મળેલ ભવ્ય જીતને વધાવતા જણાવ્યુ હતુ કે ૨૦૧૫ માં સ્થાનીક ચુંટણીઓમાં જે નુકશાન થયુ હતુ તે વ્યાજ સહીત ફળરૂપે પાછુ મળ્યુ છે. વર્ષ ૨૦૧૫ માં ભાજપ પાસે ફકત પ જિલ્લા પંચાયત હતી. આજે દરેક ૩૧ પંચાયતોમાં ભાજપ લીડ કરે છે.

શ્રી પાટીલે જણાવેલ કે પી.એમ. નરેન્દ્ર મોદીના કાર્ય અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉપમુખ્યમંૅત્રી નીતીન પટેલની સરકારે જે જનકલ્યાણના કાર્યો કર્યા છે. તે જોતા જનતાએ ફરી ભાજપ ઉપર ભરોસો મુકયો છે.

કમલમ ખાતે સંવાદદાતાઓને સંબોધિત કરતા શ્રી પાટીલે જણાવેલ કે ચુંટણીમાં જીતેલા ભાજપના જનપ્રતિનિધિઓ મતદાતાઓનો વિશ્વાસ ટુટવા નહીં દયે. તેમની અપેક્ષાઓથી વધુ કામ કરી બતાવવા પ્રયત્નશીલ રહેશે. મતદાતાઓને પરિણામ બતાવશે.

તેમણે જણાવેલ કે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં તેમણે પોતે કરેલ ૩૧ સભા અને ૧૮ રેલીઓનો અનુભવ જોતા ભાજપની જીત નીશ્ચિત હતી.

શ્રી પાટીલે જણાવેલ કે ભાજપના એક કરોડ ૧૪ લાખ કાર્યકર્તા, પેજ કમીટીના પ્રમુખ સભ્યો, જનપ્રતિનિધિ, સરકારના મંત્રીઓએ જે પ્રકારે કાર્ય કર્યુ તેનું મીઠુ પરિણામ આ મળ્યુ છે. અંતમાં શ્રી પાટીલે સર્વે કાર્યકર્તાઓ અને જનતાનો આભાર વ્યકત કર્યો હતો.

(11:50 am IST)