ગુજરાત
News of Saturday, 3rd February 2018

નર્મદા કેનાલમાંથી સાતેજના પોલીસ કોન્સ્ટેબલની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર

સાંતેજ:પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. કેનાલ પાસેથી કોન્સ્ટેબલની કાર પણ મળી આવી હતી. જો કે કારની ચાવી મળી નહોતી. કોન્સ્ટેબલની રહસ્યમય સંજોગોમાં મળી આવેલી લાશ અંગે અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. સાંતેજ પી.આઇ.નો ફોન પણ લાગતો ન હતો.
મૂળ માણસા તાલુકાના અંબોડના વતની અને હાલ સાંતેજ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભૂપતસિંહ દિલીપજી ચાવડાની લાશ ગઇકાલે મોડીરાત્રે સાંતેજમાં આવેલી ધોળકા સબ કેનાલમાંથી મળી આવી હતી. તેમની સ્વીફ્ટકાર કેનાલ આગળ પાર્ક કરેલી હતી. જો કે કારની ચાવી મળી નહોતી. સાંતેજ પી.આઇ. આર.બી.રાણાના રાઇટર ખોડસિંહે જણાવ્યું હતું કે, ભૂપતસિંહની લાશ પાણીમાં તરતી દેખાતા ત્યાંથી પસાર થતા રાહદારીએ આ અંગે સાંતેજ પોલીસને જાણ કરી હતી.
સાંતેજ પોલીસે સ્થળ પર પહોંચીને કોન્સ્ટેબલની લાશ કેનાલમાંથી બહાર કઢાવી પોસ્ટ મોર્ટમ માટે કલોલના સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. મૃતક પોલીસ કોન્સ્ટેબલ પરીણીત હતા અને તેમને ૪ વર્ષની એક બેબી પણ છે. એમ સાંતેજ પોલીસે જણાવ્યું હતું. જો કે કોન્સ્ટેબલે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો છે કે અકસ્માતે કેનાલમાં પડી ગયા છે. તેનો સચોટ જવાબ પોલીસ પાસે નથી ! રાત્રે કેનાલ પાસે કાર પાર્ક કરી કોન્સ્ટેબલ કેનાલ તરફ કેમ ગયા તેનું રહસ્ય પણ વધુ ઘેરું બન્યું છે.

(5:20 pm IST)