ગુજરાત
News of Saturday, 3rd February 2018

સરકારી સહાયની લાલચ આપી વૃદ્ધોના દાગીના પડાવતી વડોદરાની મહિલા પોલીસના સકંજામાં

વડોદરા:શહેરના એમજીરોડ પર રહેતી વૃધ્ધાને સરકારી સહાય અપાવવાની લાલચ આપીને નર્મદાભુવન ખાતે લઈ ગયા બાદ અધિકારી તમારા દાગીના જોશે તો સહાય નહી મળે તેમ કહીને તેના ૧.૭૦ લાખના દાગીના પડાવી લઈને ફરાર થયેલી ઠગ મહિલાની રાવપુરા પોલીસે ધરપકડ કરી હતી.
એમજી રોડ પર અંબામાતાના મંદિર સામે રહેતાં લલીતાબેન જયંતીલાલ ગાંધી ગત ૨૫મી ઓક્ટોબરે માર્કેટમાં જતાં તેમને સહિદા ફિરોજખાન પઠાણ (રહે.ગાાગજીપુરા, ભાલેજરોડ, ઉમરેઠ) સાથે ભેંટો થયો હતો. સહિદાએ તેનું નામ જ્યોત્સના છે અને તે પાણીગેટમાં રહે છે તેવી બોગસ ઓળખ આપી હતી. તે વૃધ્ધોને સરકારી નાણાંકિય સહાય આપવા માટે ફોર્મ ભરવાનું કામ કરે છે તેમ કહીને લલીતાબહેનને નાણાંકિય સહાય અપાવવાની લાલચ આપી ઘરે ગઈ હતી. ઘરે લલીતાબહેનના પતિ હાજર હોઈ ત્યાં ઠગાઈનો કારસો પાર નહી પડતાં તે  લલિતાબહેનને  ઘરેથી રિક્ષામાં બેસાડીના નર્મદાભવન ખાતે લઈ ગઈ હતી અને તેમને ઓટલા પર બેસાડયા હતા.
તેણે લલીતાબહેનને જણાવ્યું હતું કે તમે દાગીના પહેર્યા છે તે સરકારી અધિકારી જોશે તો તમે પૈસાદાર છો તેવુ માનશે અને તમને સહાય આપવાની ના પાડશે માટે તમે જે દાગીના પહેર્યા છે તે થોડીવાર માટે કાઢીને મને આપી દો પછી આપણે સાહેબને મળવા જઈઅ.
તેની વાત પર વિશ્વાસ મુકીને  લલીતાબહેને સોનાનું સવા તોલાનું મંગળસૂત્ર અને પાંચ તોલાની બંગડીઓ સહિત ૧.૭૦ લાખના દાગીના કાઢીને સહિદાને આપ્યા હતા. દાગીના મળતા જ તે હું સાહેબને મળીને તરત આવું છુ તમ કહીને દાગીના લઈને ત્યાંથી પલાયન થઈ હતી.

(5:19 pm IST)