ગુજરાત
News of Saturday, 3rd February 2018

અમદાવાદના આંબાવાડીમાં કામ કરવાના મુદ્દે ગળેફાંસો ખાઈ કિશોરે મોતને વ્હાલું કર્યું

અમદાવાદ: આંબાવાડી વિસ્તારમાં સી.એન.વિદ્યાલય નજીક આવેલા એલીગન્સ એપાર્ટમેન્ટમાં માનવતા મરી પરવારી હોય એવી એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં ૧૨થી ૧૪ વર્ષની વચ્ચેનાં ઝારખંડના કિશોરે ઘરકામ કરવાના મુદ્દે રહસ્યમય રીતે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ કિશોરની ઉંમર નાની હોવા છતાં ફરિયાદમાં ૧૯ વર્ષની બતાવી છે. આ કિસ્સાની વિગત એવી છે કે નરેશ સિન્ધી પત્ની દીપાબહેન અને બે પુત્રો સાથે એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહે છે. પરિવારમાં અન્ય બે પુત્રો છે. એક દિકરો દુબઈમાં છે. જ્યારે બીજો દિકરો સાહિલ તેમની સાથે જ રહે છે. નરેશભાઈ કાલુપુરમાં કાપડનો હોલસેલનો બિઝનેસ કરે છે. ૧લી ડિસેમ્બરે નરેશભાઈ અને તેમના પત્ની ઉદેપુર ગયા હતા. જ્યારે પુત્ર સાહિલ દુકાને ગયો હતો. આ પરિવારે ઘરના કામકાજ માટે લક્ષ્મણ ઉર્ફે છોટુને પોતાને ત્યાં રાખ્યો છે. છોટું છેલ્લા દોઢ વર્ષથી અહીં નોકરી કરતો હતો. ૧લી ફેબુ્રઆરીએ માલિક નરેશભાઈનો ડ્રાઈવર કોઈ કામથી ઘરે ગયો હતો. પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. પ્રયત્નો કરવા છતા દરવાજો નહીં ખુલતાં ડ્રાઈવરે ફોન કરતા સાહિલ ઘરે આવ્યો હતો. તેમણે પોતાની પાસે રહેલી બીજી ચાવીથી દરવાજો ખોલતા અંદર છોટુ દુપટ્ટાથી લટકેલો જોવા મળ્યો હતો. આથી તુરંત જ આ ઘટનાની જાણ કરતા પોલીસની ટીમ આવી ગઈ હતી. પોલીસે છોટુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વી.એસ.હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. દરમિયાનમાં ઘરકામ કરતા એક કિશોરને ગળેફાંસો ખાવાની ફરજ કેમ પડી તે તપાસનો વિષય છે.

(5:18 pm IST)