ગુજરાત
News of Saturday, 3rd February 2018

આણંદના અડાસમાં જમીનનો કેસ પરત લેવા બાબતે ધારિયું મારી ઇજા પહોંચાડનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:તાલુકાના અડાસ ગામે જમીનનો કોર્ટ કેસ પાછો ખેંચી લેવાનું કહી ગાળો બોલતા શખ્સને ગાળો બોલાવાની ના પાડનારને ધારીયું મારવા ઉપરાંતગાડી ઉપર પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હતી. આ અંગે વાસદ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ઘ ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અડાસ ગામે રહેતા સંપતસિંહ રાયસિંહ રાજને ગઈકાલે સાંજના સુમારે અડાસ સીમની રાહજહાં તલાવડીએ આવેલા મનુભાઈ સાલમભાઈ રાજે કહ્યું હતું કે, જમીનના ભાગ માટે કોર્ટમાં જે કેસ ચાલે છે તે પાછો ખેંચી લે કહી ગાળો બોલી હતી. આ અંગે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા મનુભાઈ રાજે ધારીયું મારી દેતા ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને નીચે પડી જતાં હાથની કોણીના ભાગે છોલાઈ ગયું હતું.
આ દરમ્યાન સંપતસિંહ પોતાની ઈકો ગાડી લઈ જતા હતા ત્યારે રસ્તામાં અન્ય જસવંતસિંહ સાલમસિંહ રાજ અને દિગ્વિજયસિંહ આવી ચઢ્યા હતાં અને ત્રણેય જણાઓએ ભેગા મળી ગાડીનો કાચ તોડી નાંખીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)