અમદાવાદ કોર્પોરેશનનું બજેટ રજૂ કરતાં સ્ટે. ચેરમેન પ્રવિણકુમાર : ૩૪૯૦ કરોડના વિકાસકાર્યો : ૩ નવા ફલાય ઓવર - કાંકરીયામાં સિંગાપુર જેવું એકવેરીયમ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૬૯૯૦ કરોડનું બજેટ આજે રજુ કરાયું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણકુમાર ભગવાનદાસ પટેલે ૪૯૦ કરોડના વધારા સાથે આ બજેટને રજુ કર્યું. પ્રોપર્ટી અને વોટર ટેકસના દર યથાવત રાખવામાં આવ્યાં છે. બજેટની જાહેરાત મુજબ વિકાસના કાર્યો પાછળ ૩,૪૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. શહેરમાં ૩ જગ્યાએ નવા ફ્લાય ઓવર બનાવવામાં આવશે. નવી ટીપી સ્કિમમાં આરસીસી રોડ પાછળ ૧૫ કરોડ ખર્ચાશે. ૬ નવા પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે કાંકરિયા ખાતે સિંગાપોર જેવું ફિશ એકવેરિયમ બનાવવામાં આવશે. ચંડોળા ડેવલપમેન્ટ પ્રોજેકટ ઉપર પણ ધ્યાન આપવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા વર્ષ ૨૦૧૮-૧૯ના મહત્વના ઠરાવોમાં મ્યુ.પ્રોપર્ટી ટેકસ-કોન્ઝર્વન્સી ટેકસ, વોટર ટેકસના દરોમાં કોઈ જ વધારો કરાયો નથી. વાહનવેરા દરોમાં કોઈ જ વધારો નહીં. નરોડા પાટીયા ચાર રસ્તા ફ્લાય ઓવરબ્રિજ નવેસરથી તૈયાર કરવા માટે ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી. કાલુપુર રેલવે ઓવરબ્રિજ પહોળો કરવા, કુબેરનગર રેલવે ઓવરબ્રિજ અંગે ફીઝીબિલિટી રિપોર્ટ તથા વાસણા પિરાણા ડો.બાબાસાહેબ આંબેડકર પુલ નીચે રંગસાગર ફ્લેટ પાસેથી પસાર થતા રસ્તા અંગે ફીઝિબિલિટી રિપોર્ટ ( રસ્તા ઉપર પુલની ઉંચાઈ સપ્રમાણ ન હોવાથી ઉંચાઈવાળા વાહનો પસાર થઈ શકતા નથી તેથી નાગરિકોને મુશ્કેલી પડે છે. જેને ધ્યાનમાં રાખીને વાસણા પિરાણા ડો.બાબાસાહેબ આંબેડકર રિવર બ્રિજના પશ્ચિમ તરફના ભાગની નીચેથી પસાર થતા વાહનોને વધુ ઊંચાઈ મળી રહે તે પ્રકારે આયોજન કરવા તેમજ વૈકલ્પિક રસ્તા અંગે આયોજન કરવા પ્રારંભિક ધોરણે. આ કામ માટે બજેટમાં ૨ કરોડની જોગવાઈ.
- નવી ટીપી સ્કીમમાં આર.સી.સી.રોડનું, ડામરના રસ્તાઓ માટે બજેટમાં ૧૫ કરોડની જોગવાઈ. - સીવીલ હોસ્પિટલ-જગન્નાથ મંદિર-જમાલપુર વિસ્તાર એરીયા ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે ૧૦ કરોડની જોગવાઈ. - રોડ પ્રોજેકટની કામગીરી માટે મેટલ ડેપો, મટીરિયલ ટેસ્ટીંગ લેબોરેટરી તથા હોટમીકસક પ્લાન્ટ. શહેરમાં ૩ જગ્યાએ એએમસીનો હોટ મિકસ પ્લાન્ટ તથા મેટલ ડેપો તૈયાર કરવા માટે તથા મટીરિયલ ટેસ્ટીંગ લેબોરેટરીની અદ્યતન ટેકનોલોજી સાથેની લેબોરિટરી ઓન વ્હીલ તૈયાર કરાશે. આ માટે ૨૦ કરોડની જોગવાઈ.
ઉપરાંત જુના એલ.જી. હોસ્પિટલ બિલ્ડિંગ ખાતે વધારાના માળનું બાંધકામ, આ માટે ૫ કરોડ રૂપિયાની જોગવાઈ. - પૂર્વ વિસ્તારમાં હાંસોલ ખાતે ૧૦.એમ.એલ.ડી ક્ષમતાનો સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, આ માટે ૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ. - લેફ્ટ ટર્ન ફ્રી ટ્રાફિક વ્યવસ્થા માટે ૫ કરોડ રૂપિયાની જોગવાઈ, જેનાથી શહેરની ટ્રાફિક સિસ્ટમ આધુનિક અને સરળ બની શકે. - ખારીકટ કેનાલના સફાઈ અભિયાન માટે ૩ કરોડ રૂપિયાની જોગવાઈ. - સરસપુરના જૂના પુરાણા ડો.બાબાસાહેબ આંબેડકર હોલને ડીમોલીશ કરીને નવી ડિઝાઈન તૈયાર કરી ડો.બાબાસાહેબ આંબેડકર ઓડીટોરિયમ તૈયાર કરવા માટે ૫ કરોડ રૂપિયાની જોગવાઈ. - ગોમતીપુરમાં આવેલા વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલનું નવીનિકરણ કરવાની જગ્યાએ ડીમોલીશ કરીને નવો કોમ્યુનિટી હોલ તૈયાર કરવા માટે ૩ કરોડની જોગવાઈ. - પૂર્વ વિસ્તારમાં૩૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથેની વાતાનુકૂલિત રિડિંગ લાઈબ્રેરી તથા સેમીનાર માટે ૩૦૦ બેઠકોવાળો ઓડિટોરિયમ તૈયાર કરવા માટે ૨ કરોડની ફાળવણી. - પાણીના નવા બોર માટે ૫ કરોડની ફાળવણી. -ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ કિલયરન્સ બોર્ડ તથા ઔડાની વસાહતોમાં ડ્રેનેજ,રસ્તા, લાઈટ, પાણી, વગેરે સુવિધાઓ માટે ૧૦ કરોડ રૂપિયાની ફાળવણી. - મ્યુનિ.કાઉન્સિલરોને પ્રજાલક્ષી વિકાસના કામો માટે વાર્ષિક મળતા ૧૭ લાખના બજેટમાં ૮ લાખ રૂપિયાનો વધારો કરીને ૨૫ લાખ રૂપિયા કરાયો. જેમાંથી ૩ લાખ માત્ર વોર્ડ અને શહેરની સ્વચ્છતા અભિયાન સંદર્ભે જ ઉપયોગમાં લેવાશે. - ઝીરો બજેટ હેડ હેઠળ ૧૪.૬૬ કરોડ રૂપિયાની ફાળવણી. - અમદાવાદ દેશનું પ્રથમ વર્લ્ડ હેરીટેજ સિટી બન્યું છે. વિશેષ દરજ્જો પ્રાપ્ત થવાના કારણે તેની ખાસ ઓળખ ઊભી થાય તે હેતુથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય ચાર પ્રવેશ દ્વાર પર વર્લ્ડ હેરીટેજ સીટી પ્રવેશદ્વાર તૈયાર કરવા માટે ૩ કરોડની જોગવાઈ. - એ.એમસી હેરીટેજ બિલ્ડિંગ સરદાર પટેલ ભવનના નવીનિકરણ તથા હેરિટેજ ગેલેરી માટે એક કરોડની જોગવાઈ. - લાંભા રંગોળીનગર તથા નિકોલ ખાતે નવા મ્યુનિસિપલ શાળાના મકાનો માટે ૩ કરોડની જોગવાઈ. - ચંડોળા તળાવ ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે ૫ કરોડ રૂપિયાની જોગવાઈ. - નાના નાના તળાવો જેમ કે નિકોલ ગામ તળાવ, હાથીજણ ગામ, આંબલી તળાવ પરતે પાકી પાળ બાંધી આસપાસ પેવીંગ કરવા માટે ૨ કરોડની જોગવાઈ. - ૬ નવા પાર્ટી પ્લોટ માટે ૨ કરોડની જોગવાઈ - મેયર હાઉસ જેમાં નિવાસ સ્થાન ઉપરાંત કોન્ફરન્સ રૂમ, ગેસ્ટ રૂમ, કાર્યાલય સુવિધા સાથેનું અદ્યતન મેયર હાઉસ તૈયાર કરવા માટે ૨ કરોડ રૂપિયાની જોગવાઈ. - શહેરમાં નવા સમવિષ્ટ થયેલા વિસ્તારના ગામડાઓને શહેરી વિસ્તારો જેવી સુવિધાઓ આપવા માટે , ગામતળોમાં સુવિધા માટે ૫ કરોડ રૂપિયાની જોગવાઈ. - શહેરના વિવિધ વોર્ડમાં આવેલા ૫૮ સીટી સીવિક સેન્ટરોના નવીનીકરણ માટે ૫ કરોડ રૂપિયાની ફાળવણી. - સીટી ડિઝાઈન સેલની રચના-સીટી બ્યુટીફિકેશન પ્લાન માટે ૫ કરોડ રૂપિયાની જોગવાઈ. - શહેરના પૂર્વ વિસ્તારમાં પીપીપી મોડલથી ૨ સ્વીમિંગ પુલ તૈયાર કરાશે - કાંકરિયા લેક ફ્રન્ટ તથા રીવરફ્રન્ટ ખાતે સ્માર્ટ લાઈટિંગ સીસ્ટમ માટે ૨ કરોડની જોગવાઈ. - સાબરમતી રીવર ફ્રન્ટમાં પ્રવેશતા રસ્તા પહોળા કરવાનું આયોજન, આ માટે ૫ કરોડની જોગવાઈ. - EWS તથા LIG આવાસ યોજનાની ખુલ્લી જગ્યામાં પેવર બ્લોક માટે ૩ કરોડ રૂપિયાની જોગવાઈ. - સ્વચ્છ ભારત અભિયાન વોલ ટુ વોલ રોડ કારપેટ કરવા માટે ૫ કરોડની ફાળવણી. - સરદાર પટેલ ભવન ખાતે વાહનોના પાર્કીંગની સુવિધા વધારવા માટે અન્ડરગ્રાઉન્ડ પાર્કીંગ સુવિધા અને ઓટોમેટેડ કાર પાર્કીંગ સુવિધા તૈયાર કરવા માટે ૧ કરોડની જોગવાઈ. - નોન ટીપી રસ્તાઓના વિકાસ માટે ૨.૫ કરોડની ફાળવણી અને - કાંકરિયા ખાતે હાલ જયાં ફીશ એકવેરિયમ છે ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાના અદ્યતન ફીશ એકવેરિયમનું પીપીપી મોડલથી આયોજન કરવામાં આવશે.