ગુજરાત
News of Friday, 2nd December 2022

અમદાવાદ:સેટેલાઇટ વિસ્તારમાં બે કલાકમાં ઘરની લાઈટ કપાઈ જવાનું કહી 2લાખની ઓનલાઇન છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: સેટેલાઈટમાં ૭૮ વર્ષના સિનિયર સીટીઝનને બે કલાકમાં ઘરની લાઈટ કપાઈ જશે તેમ કરી ડરાવી ઠગે બે લાખની ઓનલાઈન   છેતરપિંડી આચર્યાનો બનાવ બન્યો છે. તમારું લાઈટનું રૂ.૧૧ બિલ બાકી છે,  હું મેસેજ મોકલું તેની લિંક ઓપન કરો. સિનિયર સીટીઝને લિંક ઓપન કરતા તેમના ખાતામાંથી રકમ ડેબિટ થવા લાગી હતી. સેટેલાઈટ પોલીસે બુધવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

સેટેલાઈટ રોડ પર સુદર્શન કોલોનીમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગાળતા નિતિનભાઈ અછવલાલ ચુડગર (ઉં,૭૮)એ અપુર્વ ગુપ્તાના નામે ફોન કરનાર શખ્સ સામે ફરિયાદ કરી છે. જે મુજબ ગત મંગલવારે રાત્રે ૮ વાગ્યે ફરિયાદ પર કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું કે, હું અર્પુવ ગુપ્તા બોલું છું, તમારા ઈલેક્ટ્રીકસિટી બિલના રૂ.૧૧ બાકી છે. જો બિલ નહી ભરો તો ઘરનું લાઈટ કનેકશન બે કલાકમાં કપાઈ જશે.ફરિયાદીએ ઠગે મોકલેલા મેસેજની લિંક ઓપન કરતા તેમના બે બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.૨,૦૧,૦૧૦ની રકમ ડેબીટ થઈ ગઈ હતી. ફરિયાદીએ પુત્રી સાથે આ બાબતે ફોન પર વાત કર્યા બાદ પોતાના મોબાઈલ ફોનનું નેટ બંધ કરી દીધું હતું. બનાવની જાણ સાયબર હેલ્પ લાઈન પર કરતા તેઓએ ફરિયાદી નોંધી નંબર આપ્યો હતો. જેના આધારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

(5:48 pm IST)