ગુજરાત
News of Friday, 2nd December 2022

અમદાવાદની વટવા જીઆઇડીસી વિસ્તારમાં કિશોર સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરનાર સહકર્મચારીને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

અમદાવાદ: વટવા જીઆઈડીસી વિસ્તારમાં સહકર્મચારી કિશોર સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરનાર આરોપી બેતાલસિંહ શ્રીપાલસીંગ ભદોરીયાને સ્પે. પોક્સો કોર્ટના જજ કુ.સીતાબેન ઇશ્વરભાઇ તારાણીએ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે.  કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ફરિયાદી કિશોર જ ભોગ બનનાર છે અને તેણે પોતાની ફરિયાદ, તબીબ અને કોર્ટ રૂબરૂ એક સરખી જુબાની આપી છે જેના કારણે આરોપી વિરૂધ્ધનો આખો કેસ પુરવાર થાય છે ત્યારે આવા સમાજવિરોધી ગંભીર ગુનામાં આરોપી સામે દયા દાખવી શકાય નહી. શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતો પીડિત કિશોર વટવા જીઆઇડીસીમાં નોકરી કરતો હતો. પીડિત કિશોર ગત તા.૨૨-૪-૨૦૧૩ના રોજ રાબેતા મુજબ નોકરી પર ગયો હતો. ત્યારે રાત્રે ૧૨ વાગ્યે પોતાનુ કામ પૂરૂ થતા તેણે સહકર્મચારી બેતાલસિંહ શ્રીપાલસીંગ ભદોરીયા(ઉં.વ.૩૬)ને સૂઇ જવાનુ કહ્યુ હતું. બાદમાં બંને કંપનીના ધાબા પર જઇ સૂઇ ગયા હતા. એ દરમ્યાન રાત્રે દોઢ વાગ્યે બેતાલસિંહે કિશોરના કપડાં ઉતારી તેની સાથે સૃષ્ટી વિરૂધ્ધનું હીન કૃત્ય આચર્યુ હતું. પીડિત કિશોરે ઉભા થઇ જતાં આરોપી બેતાલસિંહે તેને ધમકી આપી હતી કે, સૂઇ જા નહીંતર બોલઇરમાં નાંખી દઇશ. બીજા દિવસે આ મામલે તેણે પરિવારને જાણ કરતાં તેઓ પોલીસ મથક પહોંચ્યા હતા. વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં આરોપી બેતાલસિંહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી ચાર્જશીટ કર્યું હતું. સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ હિંમાશુ આર.શાહે કેસના પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીએ પીડિત કિશોરનું શારીરિક શોષણ કરી ધમકી આપી હતી. ગુનો ઘણો ગંભીર છે અને આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે. સમાજવિરોધી આવા કિસ્સા વધી રહ્યાં છે ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી કોર્ટે આરોપીને સખતમાં સખત સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ કોર્ટે આરોપીને ત્રણ વર્ષ કેદની સજા ફટકારી હતી.

(5:48 pm IST)