ગુજરાત
News of Wednesday, 2nd December 2020

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપતા નારાયણ સાંઈના હાઈકોર્ટે ફર્લો મંજુર કર્યા

5000 હજાર રૂપિયાનો પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો નિર્દેશ

સુરતની મહિલા સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આરોપી નારાયણ સાઈના ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફર્લો મંજુર કરાયા છે કેસમાં દોષિત જાહેર કરાયેલા કેદી તેમના પરિવારિક અને સામાજિક જીવન સાથે સંકળાયેલા રહે તેના માટે તેમને વાર્ષિક ફર્લો આપવામાં આવે છે. કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવે અને કોર્ટને લાગે તો ફર્લો મંજુર કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 5000 હજાર રૂપિયાનો પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.

નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે તેમની માતાની તબિયત ખરાબ છે અને અગાઉ આવેલા હાર્ટ એટેકને લીધે હૃદય માત્ર 40 ટકા જ કામ કરે છે. નોંધનીય છે કે ગત મહિના દરમિયાન નારાયણ સાંઈએ માતા-પિતાને મળવા માટે 10 દિવસની વચગાળા જામીન અરજી કરી હતી. જે હાલ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે નારાયણ સાંઈના પિતા આશારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી અને હાલ જોધપુર જેલમાં સજા હેઠળ છે. જ્યારે અન્ય એક કેસ ગાંધીનગર કોર્ટમાં પેન્ડિંગ છે.

સુરતની મહિલા સાથે દુસકર્મ કેસમાં સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાઈને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસની અપીલ અરજી હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સુરતની મહિલાએ નારાયણ સાઈ પર આક્ષેપ કર્યો હતો કે 2002 થી 2005 દરમિયાન સુરત આશ્રમમાં હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

(9:04 pm IST)