ગુજરાત
News of Wednesday, 2nd December 2020

અમદાવાદ મનપાનું લોલંલોલ :કમરની સારવાર માટે દાખલ મહિલાના ઘરે કોવિડનું બોર્ડ લગાવ્યું

કમરના મણકાના ઓપરેશન માટે નરોડાની સેલ્બી હોસ્પિટલમાં દાખલ મહિલા કોવીડ નેગેટિવ છતાં AMCએ કવોરન્ટાઈન વિસ્તારનું બોર્ડ લગાવ્યુ: ડિફેન્સના કર્મચારી, તેમના પત્ની અને પાડોશીઓ હેરાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક લાલીયાવાળી બહાર આવી છે. AMCએ ડીફેન્સના કર્મચારી અને તેમના પત્નીને કોવિડ પોઝિટિવ ના હોવા છતાં પણ તેમના ઘરે કવોરન્ટાઇન વિસ્તારનું બોર્ડ લગાવવાનું નાટક કર્યું છે. AMCની આ ભૂલને પગલે ડિફેન્સના કર્મચારી, તેમના પત્ની અને પાડોશીઓ હેરાન થઈ ગયા છે. ડિફેન્સના કર્મચારીની પત્ની કમરની સારવાર માટે નરોડાની સેલ્બી હોસ્પિટલમાં દાખલ થયા છે. કોવિડ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.

રાજસ્થાન ખાતે આર્મી એન્જીનીયરીંગ સર્વિસમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા મહેશકુમાર પરમાનંદભાઈ ધાનક (ઉં,56) તેમના પત્ની પુષ્પાબહેન સાથે કૃષ્ણનગર વિસ્તારમાં પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહે છે.

ગત તા.29મી નવેમ્બરના રોજ મહેશભાઇની પત્ની પુષ્પાબહેનને કમરના મણકામાં ઇન્ફેક્શન થતા નરોડાની સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ પુષ્પાબહેનનો કોવિડ રિપોર્ટ કાઢતા નેગેટિવ આવ્યો હતો. તેઓનું મણકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પત્ની સાથે હોસ્પિટલમાં રહેતા મહેશભાઈ બે દિવસ અગાઉ પોતાના ઘરે ગયા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ક્વોરન્ટાઇન વિસ્તારનું બોર્ડ લાગેલું જોઈ ભડકયા હતા. જે બોર્ડ પર સાવધાન આ ઘરની મુલાકાત લેવી નહી. આ ઘર ક્વોરન્ટાઇન હેઠળ ગત તા. 29-11-2020 થી 12-12-2020 સુધી છે

મહેશભાઈએ પડોશીઓ પણ પૂછવા લાગ્યા કે, તમે તો પુષ્પાબહેનને કમરની સારવાર માટે દાખલ કર્યાનું કહો છો તો આ બોર્ડ કેમ આવ્યું? મહેશભાઈએ બોર્ડ ખોટી રીતે લાગયાનું જણાવ્યું હતું.

મહેશભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ભૂલને કારણે લોકો મારા પર શક કરે છે. મારી પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને મને કોરોના નથી. છતાં પણ એએમસીએ આ રીતે બોર્ડ લગાવી દીધું છે. મારી એટલી જ વિનંતી છે કે, આ બોર્ડ તત્કાલ મારા ઘરેથી હટાવવામાં આવે તો લોકો મારી પર શક ના કરે અને મારી પત્નીની યોગ્ય રીતે સાર સંભાળ થઈ શકે

(7:04 pm IST)