ગુજરાત
News of Wednesday, 2nd December 2020

ગાંધીનગર: આરોગ્ય વિભાગદ્વારા કોવીડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ફાયર સેફટીના લીધે 11 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર: સુરત, વડાદરો, અમદાવાદ અને રાજકોટમાં કોરોના દર્દીને જ્યાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં જ આગની ઘટના બની હતી અને આ જુદી-જુદી દુર્ઘટનાઓમાં પણ કોરોના દર્દીઓ તથા સ્ટાફના પણ મોત થયા હોવાનું સામે આવ્યું હતું આ દુર્ઘટના બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને તમામ જિલ્લાઓને કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં તાત્કાલિક રિયાલીટી ચેક કરવા માટે લેખિતમાં આદેશ આપ્યો હતો જેને લઇને ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રએ ખાસ ટીમ બનાવી હતી અને જિલ્લાની સરકારી તથા ખાનગી કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ચેકલીસ્ટ સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. ઘણી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને રાખવામાં આવતા હતા તે આઇસીયુમાં પણ ખુલ્લા વાયરો હતા એટલુ જ નહીં, કેટલીક હોસ્પિટલોમાં શોર્ટ સર્કિટ વખતે વીજ પુરવઠો બંધ થઇ જાય તેવી એમસીલની વ્યવસ્થા જ ન હતી. આમ, ખુલ્લા વાયરો તથા શોર્ટ સર્કિટની શક્યતાને લઇને જિલ્લાની છ ખાનગી હોસ્પિટલોને તાત્કાલિક આ વાયરીંગ સેઇફ કરવા માટે લેખિતમાં તાકિદ કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી ફેરફાર કરીને તેનું યોગ્ય પ્રમાણપત્ર લેવા માટે પણ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત આગ લાગે તે વખતે ફાયર સેફ્ટીના સાધનો તેમજ સુવિધાઓ અંગે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવતા ગાંધીનગર સિવિલ અને એપોલો સિવાયની તામામ ૧૧ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. ઘણી જગ્યાએ તો ફાયરના બાટલા ખાલી હતા તો ઘણી જગ્યાએ બાટલાની અંદર જે અગ્નિસામક પદાર્થ હોય છે તે એક્સપાયરી ડેટનો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને પગલે ગાંધીનગર આરોગ્ય વિભાગે આ ૧૧ હોસ્પિટલોને તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનો વસાવવા તથા યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે લેખિતમાં નોટિસ ફટકારી છે તેમજ ફાયર ઓફિસર દ્વારા ટેકનીકલ ચેકીંગ કરાવીને તેનું એનઓસી લેવા માટે પણ તાકિદ કરવામાં આવી છે. 

(5:13 pm IST)