ગુજરાત
News of Wednesday, 2nd December 2020

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ઝાંક જીઆઈડીસીમાં બપોરના સમયે અજાણી મહિલાની ભેદિસંજોગોમાં લાશ મળી આવતા ચકચાર

દહેગામ:તાલુકાના ઝાંક જીઆઈડીસીમાં બાપા સીતારામ વેબ્રીજ પાછળ ગઈકાલે એક ૪૦ વર્ષના અરસાની મહિલા ગંભીર ઘાયલ અવસ્થામાં મળી આવતાં તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં મહિલાની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમ્યાન આ મહિલાનું મોત નીપજયું હતું. જેથી આ ઘટના અંગે દહેગામ પોલીસને જાણ કરાતાં પોલીસ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ કરતાં મહિલાના માથાના ભાગે સાતેક જેટલા ઘા મળી આવ્યા હતા. જેથી કોઈ ઈસમોએ તિક્ષ્ણ હથિયાર ઝીંકીને તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. શરીરે કથ્થાઈ રંગની બોર્ડરવાળી સાડી, કથ્થાઈ બોર્ડરવાળો બ્લાઉઝ અને ગુલાબી રંગનો ચણીયો પહેરેલી આ અજાણી મહિલાની ઓળખ માટે દહેગામ પોલીસે દોડધામ શરૂ કરી છે અને સોશ્યલ મીડીયા ઉપરાંત આસપાસના વિસ્તારોમાં તેનો ફોટો ફરતો કરવામાં આવ્યો છે જેથી કરીને તેની ઓળખ થાય તો પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકે. પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં પણ આવેલા વિવિધ એકમોમાં મહિલાની ઓળખ માટે તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી મહિલા સંદર્ભે પોલીસને કોઈ કડી મળી આવી નથી. 

(5:13 pm IST)