ગુજરાત
News of Wednesday, 2nd December 2020

સુરતના લીંબાયતમાં વિધવાના ઘરમાં ઘુસી ચપ્પુની અણીએ પૈસા પડાવનાર નરાધમની પોલીસે ધરપકડ કરી

સુરત: શહેરના લીંબાયત ગોડાદરા વિસ્તારમાં ગતસાંજે આધેડ વિધવાના ઘરમાં ઘુસી અહીં રહેવું હોય તો દર મહિને રૂ.1000 આપવા પડશે કહી ચપ્પુની મારવાની ધમકી આપી રૂ.1000 પડાવનાર ટપોરી ચેતન ઉર્ફે ચેતન ફાડુની લીંબાયત પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત ગોડાદરા આસપાસ સ્થિત આદર્શ સોસાયટી પ્લોટ નં.99 માં રહેતા 53 વર્ષીય વિધવા કમલ ઉર્ફે બેબીબેન રમેશભાઈ જાદવ ગતસાંજે ચાર વાગ્યે ઘરે એકલા હાજર હતા ત્યારે લીંબાયત સંજયનગર સર્કલ પાસે રહેતો અને અગાઉ મારામારી અને દારૂના ગુનામાં પકડાયેલો ચેતન ઉર્ફે ચેતન ફાડુ કમલબેનના ઘરમાં ઘુસી ગયો હતો અને કહ્યું હતું કે અહીં રહેવું હોય તો મને દર મહિને રૂ.1000 આપવા પડશે. જો નહીં આપે તો ચપ્પુ મારી દઈશ. મને કોઈનાથી ડર નથી, હું અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો જ છું. તે સમયે ઘરમાં કોઈ હાજર ન હોય કમલબેને ગભરાઈને તેને રૂ.1000 આપી દીધા હતા. પૈસા લઈને જતાં જતાં પણ ચેતને કમલબેનને ધમકી આપી હતી કે જો આ જાણ કરીશ કે પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ. જોકે, કમલબેને બનાવ અંગે બાદમાં લીંબાયત પોલીસ મથકમાં ચેતન ઉર્ફે ચેતન ફાડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઈ જે.પી.સોલંકી કરી રહ્યા છે.

(5:12 pm IST)