ગુજરાત
News of Wednesday, 2nd December 2020

રેકોર્ડ બ્રેક ભાવે થઇ ડીલ

૧ ચોરસવારનો ભાવ રૂ.૩ લાખઃ અમદાવાદમાં ૫૦૦૦ વારનાં પ્લોટનો સોદોઃ ૧૫૦ કરોડ ચુકવાયા

અમદાવાદ, તા.૨: શહેરના પોશ એવા ઈસ્કોન સર્કલ પાસે એક જમીનનો રેકોર્ડતોડ ભાવે સોદો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના જ બે બિલ્ડરોએ આ જમીન ૫,૦૦૦ ચોરસ વાર જેટલી આ જમીન ૩ લાખ રુપિયા પ્રતિ વારના ભાવે ખરીદી છે. આ સોદો ૧૫૦ કરોડ રુપિયાની આસપાસ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો અમદાવાદમાં પ્રતિ ચોરસવાર જમીનના ત્રણ લાખ રુપિયા ભાવ અપાયો હોય તેવો આ પહેલો કિસ્સો છે. એક તરફ કોરોનાને કારણે રિયલ એસ્ટેટ સાવ ઠપ્પ છે, ત્યારે આ રેકોર્ડબ્રેક ભાવે થયેલો સોદો બિલ્ડર લોબીમાં ચર્ચાસ્પદ બન્યો છે.

એક રિયલ એસ્ટેટ ડેવલપરે આ ડીલ અંગે જણાવ્યું હતું કે આ સોદો એ વાત સાબિત કરે છે કે હજુય શહેરમાં આ પ્રકારના હાઈ-એન્ડ પ્રોજેકટ્સની ડિમાન્ડ છે. ૧૫૦ કરોડના કહેવાતા આ સોદામાં રાજય સરકારને ૯ કરોડ રુપિયા જેટલી આવક થવાનું પણ અનુમાન છે. હાલ ઈસ્કોન સર્કલની આસપાસ જમીનનો ભાવ ૨.૨૫ લાખ રુપિયા પ્રતિ વાર ચાલી રહ્યો છે, તેવામાં જો આ સોદો જો ખરેખર ૩ લાખ રુપિયા પ્રતિ ચોરસ વારના ભાવે થાય તો આ વિસ્તારમાં થયેલી આ સૌથી મોંદ્યી ડીલ હશે.જો કોઈ જમીનનો ૬૦,૦૦૦-૭૦,૦૦૦ રુપિયા પ્રતિ વારના ભાવે સોદો થાય અને તેના પર હાઈરાઈઝ બિલ્ડિંગ બાંધવામાં આવે તો પણ તેની વેચાણ કિંમત ૩૫,૦૦૦-૪૫,૦૦૦ રુપિયા પ્રતિ ચોરસ વાર જેટલી રહેતી હોય છે. તેવામાં જો આ ડીલ ત્રણ લાખ રુપિયાના ભાવે થાય તો તેના પર બનનારા બિલ્ડિંગનો વેચાણ ભાવ પણ દ્યણો ઉંચો રહેશે.આ ક્ષેત્રના એક એકસપર્ટના જણાવ્યા અનુસાર આ પ્રકારના મોટા પ્રોજેકટમાં કન્સ્ટ્રકશન કોસ્ટ ૨૫ હજાર રુપિયા પ્રતિ ચોરસ ફુટ જેટલી રહેતી હોય છે. તેવામાં જો આ જમીન પર ફ્લેટ બનાવવામાં આવે તો તેની કિંમત ૪-૫ કરોડ રુપિયા જેટલી રહેશે.

આ જમીન પર શું બનશે તે હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ હાલની સ્થિતિમાં કોમર્શિયલ સ્પેસની દ્યટેલી ડિમાન્ડ તેમજ ભાડાંને કારણે આટલી મોંદ્યી જમીન પર કોમર્શિયલ બિલ્ડિંગ બાંધવું કદાચ મુશ્કેલ બની શકે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં અમદાવાદમાં બેથી સવા બે લાખ રુપિયા પ્રતિ વારના ભાવે થયેલા સોદા ખાસ્સા ચર્ચામાં આવ્યા હતા, પરંતુ તેમાંના દ્યણા બધા પાછળથી રદ્દ થયા હતા.

(3:47 pm IST)