ગુજરાત
News of Monday, 2nd December 2019

ગાંધીનગર : બંને કુલિંગ ટાવર તોડી પડાતા ફેલાયેલી ઉત્તેજના

૪૭ વર્ષ જૂના ટાવરોની અવધિ પૂર્ણ થતાં તોડાયા : ટાવર તોડવા માટે ગુજરાતમાં કંટ્રોલ બ્લાસ્ટ ઇમ્પ્લોઝન ટેકનોલોજીનો ઉપયોગ : બહુ સાવચેતીપૂર્વક ટાવર તોડાયા

અમદાવાદ, તા.૧ : ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આજે અહીંની ઓળખ સમા બે કુલીંગ ટાવરો તોડી પડાતાં બહુ સફળતાપૂર્વક સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ગુજરાતમાં પહેલીવાર બહુ સેફ, હાઇટેક અને કંટ્રોલ બ્લાસ્ટ ઇમ્પ્લોઝન ટેકનોલોજીની મદદથી ૧૧૮ મીટર ઊંચા બે ટાવર તોડવામાં આવ્યા હતા. આ દ્રશ્યને નજરે જોનારાઓ માટે આ દ્રશ્ય બહુ જ ખાસ બની રહ્યું હતું. કારણ કે, દેશના સૌથી ઊંચા કુલિંગ ટાવર ટેકનોલોજીની મદદથી તાશના પત્તાની જેમ તોડી પડાયા હતા. બંને કુલિંગ ટાવર ૪૭ વર્ષ જૂના હતા. તેની આવરદા(સમય મર્યાદા) પૂર્ણ થતા તેને ઈમર્જન એક્સ્લોઝીવ લગાવીને ટાવર તોડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ટાવરોને તોડતાં પહેલા સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો હતો અને આસપાસના રહીશોને સલામત સ્થળે થોડીવાર માટે ખસી જવા તાકીદ કરાઇ હતી. સાથે સાથે ફાયરબ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ પર તૈયાર રખાઇ હતી.

         જો કે, જે એજન્સીને કામ સોંપાયું હતું, તેણે સફળતાપૂર્વક આ બંને ટાવરોને તોડી પાડવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયું હતું. જેમાં કોઇ ઇજા કે જાનહાનિ કે નુકસાન સુધ્ધાં નોંધાયું ન હતું. આજે બપોરે ૩.૦૩ મિનીટ પર પહેલો અને ૩.૧૧ મિનીટ પર બીજો કુલીંગ ટાવર તોડી પાડવામાં આવ્યો હતો. આજે રવિવારે શહેરમાં આવેલા થર્મલ પાવર સ્ટેશનના યુનિટ એક અને બેના કુલીંગ ટાવર કન્ટ્રોલને બ્લાસ્ટ કરીને તોડી પડાયા હતા. કુલીંગ ટાવરને બપોરે ૩-૦૦ વાગ્યા આસપાસ બ્લાસ્ટીંગ ઈમ્પોલઝન ટેકનીકથી તોડવામાં આવ્યા હતા. તંત્રએ બ્લાસ્ટના પગલે નાના પથ્થર ૧૫૦ મીટરના ઘેરાવમાં ઉડવાની શક્યતાને કારણે લોકોને ઈજા પહોંચવાની શક્યતા જોતા એડવાઈઝરી પણ જારી કરી હતી. તકેદારીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. વિસ્ફોટ સમયે આસપાસના રહીશઓએ પોતાના ઘરના બારી-બારણાં બંધ કરીને લોક મારીને ઘરમાંથી બહાર નીકળીને સુચવેલી સુરક્ષિત જગ્યાએ જતા રહેવા કહેવામાં આવ્યું હતું તેમજ આ વિસ્તારના રહેતા લોકોએ પોતાના વાહનોને નુકસાન ન પહોંચે તે માટે સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા કહેવાયું હતું. આખરે ભારે સાવધાની અને સાવચેતી વચ્ચે બંને ટાવરો તોડી પાડવામાં આવ્યા હતા.

(9:39 pm IST)