ગુજરાત
News of Tuesday, 2nd October 2018

પોલીટીશ્યનો માફક પોલીસ તંત્ર પણ ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ

૩૧ મેની સ્થિતિએ ૩ વર્ષથી વધુ સમય થયા ફરજ બજાવતા ગુજરાતભરના પીએસઆઈઓની માહિતી માંગીઃ બઢતી પાત્ર પોલીસ સબ ઈન્સ્પેકટરની માહિતી માંગતુ ડીજીપી કાર્યાલયઃ ધમધમાટ

રાજકોટ, તા. ૨ :. લોકસભાની ચૂંટણી ૨૦૧૯ના મે માસમાં આવનાર હોય તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે વ્યુહરચના ગોઠવવા સાથે અનેકવિધ યોજનાઓને આકાર આપી રહ્યા છે. બીજી તરફ વિપક્ષો પણ સામાન્ય લોકોના, ખેડૂતોના અને નોકરીયાતના પ્રશ્નો માટે તડામાર તૈયારીઓ આરંભી છે ત્યારે ચૂંટણી મુકત અને ન્યાયી તથા ભયમુકત થાય તેની સંપૂર્ણ જવાબદારી જેમના શિરે છે તેવા રાજ્યના પોલીસ તંત્ર દ્વારા પણ આ સંદર્ભે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.

રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણી આયોગની સૂચના મુજબ વિવિધ જિલ્લાઓ અને કમિશ્નરેટ વિસ્તારમાં એક જ જગ્યાએ છેલ્લા ચાર વર્ષમાં (તા. ૩૧-૫-૨૦૧૯ સુધી) ૩ વર્ષ સુધી ફરજ બજાવેલ હોય તેવા પોલીસ સબ ઈન્સ્પેકટરને તેમના વતનના જિલ્લા તથા વિધાનસભા મત વિસ્તાર બહાર બદલી કરવાની કાર્યવાહી રૂપે એક ખાસ પત્રક તૈયાર કરી તેની વિગતો ૧૦ દિવસમાં ડીજીપી કચેરીએ મોકલી આપવા આદેશ કરવામાં આવ્યો છે.

                 પોલીસ વડા દ્વારા થયેલ આદેશમાં જે પોલીસ સબ ઈન્સ્પેકટરોને આગામી બે વર્ષમાં બઢતી મળવાની હોય તેવા પોલીસ સબ ઈન્સ્પેકટરોએ સરકારના ગૃહ વિભાગના ૨૪-૩-૧૭ના નોટીફીકેશન મુજબ ઓછામાં ઓછી ૧ વર્ષની ફરજ બ્રાંચોમાં અર્થાત આઈબી/સીઆઈડી ક્રાઈમ / સ્ટેટ કંટ્રોલરૂમ / એસસીઆરબી / હોમગાર્ડ / નશાબંધી આબકારી / સિવીલ ડીફેન્સ અને પોલીસ તાલીમ સંસ્થા ખાતે ફરજ બજાવવી જરૂરી હોવાથી બઢતી પાત્ર પીએસઆઈએ તેઓને બ્રાંચમાં નિમણૂક માટે ૩ વિકલ્પ આપવા પણ સૂચવાયુ છે. ડીજીપી ઓફિસ દ્વારા જે પત્રક તૈયાર કરાયુ છે તેમા ૧૦ કોલમ રાખવામાં આવી છે. જેમાં અનુક્રમ નંબર, ૩૧-૫-૧૯ના રોજ ચાર વર્ષ પૈકી ૩ વર્ષ જે જિલ્લામાં નોકરી પુરી કરી હોય તેની યાદી, સેવાપોથી મુજબ વતન, ગામ, તાલુકો, જિલ્લો, બદલી માટે બ્રાંચમાં જવા ૩ વિકલ્પ, અગાઉ ચૂંટણી કમિશને શિક્ષા કરી હતી કે કેમ ? તેની વિગત, ૩૦-૧૧-૧૯ સુધીમાં નિવૃત થતા પીએસઆઈની માહિતી તથા અગાઉ લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવી હોય તે સ્થળ તથા અન્ય રીમાર્કસ નક્કી કરાયા છે. આમ પોલીસ તંત્ર પણ ચૂંટણી તૈયારી માટે સજ્જ બન્યું છે.

(3:23 pm IST)