ગુજરાત
News of Monday, 2nd August 2021

સુરતના કાપોદ્રામાં આવેલ એક કોમ્પ્લેક્ષમાં યુવાને બીજા માળે ચડી ધમાલ મચાવતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના કાપોદ્રામાં આવેલા એક કોમ્પ્લેક્ષ કંપાઉન્ડમાં એક યુવકે બીજા માળે ચડી ભારે ધમાલ મચાવી હતી. પોલીસ અને ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. યુવાન માનસિક રીતે બીમાર લાગતા પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ આર.બી.કોમ્પ્લેક્સ ખાતે રવિવારની સાંજે એક યુવક ડ્રેનેજની પાઇપ પકડી બીજા માળે ચડી એસીના કોમ્પ્રેસર પર બેસી ગયો હતો અને ધમાલ મચાવી હતી. આ ઘટનાને પગલે ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. લોકોએ યુવકને સમજાવી નીચે ઉતરવાની આજીજી કરી હતી. પરંતુ યુવક પગે પડે તો જ શાંત થાઉં, દુનિયાને ભષ્મ કરી નાખીશ, તેવા લવારા કરતો હતો. જેથી લોકોને યુવક માનસિકરૂપથી બીમાર લાગતા આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાદમાં કલાકની મહેનત બાદ યુવકનું રેસ્ક્યુ કરાયું હતું.

કોમ્પ્લેક્સમાં વડાપાઉંની દુકાન ધરાવતા અમિતભાઈ કાછડીયાએ કહ્યું કે,  આ ઘટના અંગે મને કારીગરે જાણ કરી હતી અને હું ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મેં યુવકને આજીજી કરી હતી પરંતુ તે માન્યો ન હતો અને ધમાલ મચાવી લવારા કરતો હતો. જેથી આ અંગે પોલીસ અને ફાયરને જાણ કરી હતી. યુવક માનસિક રીતે બીમાર લાગતો હતો. ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી યુવાનને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ કાપોદ્રા પોલીસને સોંપી દીધો હતો. જો કે યુવાન માનસિક રીતે બીમાર લાગતા પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

(5:08 pm IST)