ગુજરાત
News of Sunday, 2nd August 2020

જમાલપુર માર્કેટ ન ખૂલતા ખેડૂતો-કમિશન એજન્ટોનો હોબાળો

પોલીસને બોલાવવાની ફરજ પડી : એપીએમસીમાં મોટી સંખ્યામાં પહોંચેલા ખેડુતોનો વિરોધ

અમદાવાદ, તા. ૨ : અમદાવાદ જમાલપુર શાકમાર્કેટ ખાતે આજે મોટી સંખ્યામાં વેજીટેબલ કમિશન એજન્ટ અને વેપારીઓ એકઠા થયા હતા. ખેડૂતોનું શાકભાજી માર્કેટમાં લાવવાની શરૂઆત કરાશે. એક મહિના માટે માર્કેટ જેતલપુર ખાતે ટ્રાન્સફર થયું હતું. ૩૧ જુલાઈના રોજ જેતલપુર માર્કેટ બંધ થયું હતું, જોકે, તેના બાદ પણ જમાલપુર શાક માર્કેટ શરૂ ન કરતા, ખેડૂતોને મોટી સમસ્યા ઊભી થઈ હતી. શાકભાજી ક્યા વેચવા જવું એ મોટો સવાલ હતો. તેથી કેટલાક ખેડૂતો આજે શાકભાજી લઈ જમાલપુર માર્કેટ પહોંચ્યા હતા. જમાલપુર માર્કેટના સિક્યુરીટી સ્ટાફે દરવાજે તાળાબંધી કરી હતી. જમાલપુર APMC ખાતે મોટી સંખ્યામાં પહોંચેલા ખેડુતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જમાલપુર APMC બંધ હોવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. છેલ્લા ચાર મહિનાથી જમાલપુર APMCને જેતલપુર ખસેડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેથી ખેડૂતોએ જમાલપુર APMCરૂ કરવાની માંગ કરી હતી.

કમિશન એજન્ટ અને જમાલપુર માર્કેટના સિક્યુરીટી કર્મચારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું. દરવાજા ખોલી ખેડૂતોની શાકભાજી માર્કેટમાં લવાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થતા સિક્યોરિટી સ્ટાફે ફરી માર્કેટના દરવાજા બંધ કર્યા હતા. જેના બાદ પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને માર્કેટની અંદર પહોંચેલી શાકભાજીની ગાડીઓ બહાર કાઢી હતી. માર્કેટમાં રહેલા વેપારી અને મજુરોને માર્કેટની બહાર મોકલ્યા હતા.

(10:30 pm IST)