ગુજરાત
News of Sunday, 2nd August 2020

મણિનગર સહિતના વિસ્તારમાં કોરોના વાયરસના કેસ વધ્યા

અમદાવાદમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ : શહેરમાં વધારે ૧૩ જગ્યાએ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાતા કુલ સંખ્યા ૨૫૦ને પાર થઈ ગઈ : રિપોર્ટ

અમદાવાદ, તા.૨ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન ચિંતામાં છે. કોરોનાના કેસોમાં વધારો થતા શહેરના વધુ ૧૩ વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી શહેરના મણિનગર, ખોખરા, ભાઈપુરા, સીટીએમ, ઘોડાસર સહિતના વિસ્તારોમાં કોરોનાએ ફરીથી માથું ઉચકતાં કોર્પોરેશનની ચિંતા વધી ગઈ છે. આંકડાઓ મુજબ અમદાવાદમાં અલગ-અલગ ઝોનના મળી કુલ ૨૯૪૬ એક્ટિવ કેસ છે.

જેમાં પશ્ચિમ ઝોનના ૫૦૭ એક્ટિવ કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોનના ૪૯૪ એક્ટિવ કેસ, દક્ષિણ-પશ્ચિમ ઝોનના ૪૪૫ એક્ટિવ કેસ, પૂર્વ ઝોનના ૩૯૮ એક્ટિવ કેસ, દક્ષિણ ઝોનના ૪૩૦ એક્ટિવ કેસ, ઉત્તર ઝોનના ૩૮૫ એક્ટિવ કેસ અને મધ્ય ઝોનના ૨૮૭ એક્ટિવ કેસોનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોનાના ૧૩૮ નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ૧૦૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં પણ કેસની સંખ્યા ૧૦થી નીચે આવી ગઈ છે. અમદાવાદ જિલ્લામાં ૮ નવા કેસ નોંધાયા છે અને તેની સામે ૧૬ એટલે કે બેગણા દર્દીઓ સાજા થયા છે. કોવિડ-૧૯ના કારણે અમદાવાદમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકોને સાવચેત રહેવાની સુચના અપાઈ છે.

૧૩ જગ્યા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

*       પશ્ચિમ ઝોન- પૂજન એપાર્ટમેન્ટ, એ બ્લોકનાં જુદા-જુદા માળ, બોડકદેવ

*       ઉત્તર-પશ્ચિમ ઝોન- કાસા વ્યોમાના જી અને કે બ્લોકના જુદા-જુદા માળ, બોડકદેવ

*       ઉત્તર-પશ્ચિમ ઝોન- ચાણક્યપુરી સેક્ટર-૩ના ઘણા મકાન, ગોતા

*       ઉત્તર-પશ્ચિમ ઝોન- પાર્થ ઈન્દ્રપ્રસ્થ ટાવરના એ બ્લોકના ત્રણ માળ, બોડકદેવ

*       દક્ષિણ ઝોન- એડન પાર્ક, ખોખરા

*       દક્ષિણ ઝોન- એમ્પાયર હાઈસ, મણિનગર

*       દક્ષિણ ઝોન- કર્ણાવતી ફ્લેટનો ઈ બ્લોક, ભૈરવનાથ રોડ

*       દક્ષિણ ઝોન- નૂતનવર્ષા સોસાયટી, સીટીએમ

*       દક્ષિણ-પશ્ચિમ ઝોન- સેંઘાજીની ચાલીના કેટલાક મકાન, વેજલપુર

*       દક્ષિણ-પશ્ચિમ ઝોન- સુંદરમ ટાવરના બી બ્લોકોનો ત્રીજો માળ, જોધપુર

*       ઉત્તર ઝોન- દેસાઈની પોળ, સરસપુર

*       મધ્ય ઝોન- કરીમ ભઠિયારાની ચાલી, બહેરામપુરા

*       પૂર્વ ઝોન- મોટા ઠાકોરવાસની ચાલી-૧, નિકોલ

(10:29 pm IST)