ગુજરાત
News of Saturday, 1st August 2020

કુતરાના ખસીકરણના આંકડામાં પોલંપોલ : કૂતરાની સંખ્યા વધી છતાં ખર્ચ વધ્યો ! : નાગરિક સંઘર્ષ કેન્દ્રની RTI માં થયો ખુલાસો

છેલ્લાં ત્રણ વર્ષમાં 6,59,50,292નો ખર્ચ: તપાસ નિવૃત જજને સોંપવામાં આવે તો ઘણી ગેરરીતિ અને ભ્રષ્ટ્રાચાર બહાર આવે : સામાજિક કાર્યકર

અમદાવાદઃ શહેરમાં કૂતરાં કરડવાના કેસમાં વધારો નોંધાતો જાય છે. જો કે અમદાવાદ શહેરમાં કૂતરાંની સંખ્યા ઘટી હોવાનું કોર્પોરેશન જણાવી રહી છે. પરંતુ કૂતરાંના ખસીકરણ પાછળનો ખર્ચ વધ્યો હોવાનું ખુદ કોર્પોરેશને સ્વીકાર્યું છે. આમ, કૂતરાંની સંખ્યા ઘટવા છતાં તેના ખસીકરણ પાછળનો ખર્ચ વધવાનું કારણ હજમ થતું નથી. જો કે RTI હેઠળ જવાબ આપવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં સી.એન.સી.ડી વિભાગ દ્રારા છબરડો વાળવામાં આવ્યો હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. વિભાગ પાસે ચોક્કસ માહિતી નથી કે પછી વિગતો છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તે તો તપાસનો વિષય બન્યો છે.

નાગરિક સંઘર્ષ કેન્દ્ર ( ક્રાંતિ ) ના અગ્રણી ભરતસિંહ ઝાલાએ 10મી ફ્રેબુઆરીનાં રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં સીએનસીડી વિભાગમાં RTI હેઠળ શહેરમાં રખડતાં કૂતરાંની સંખ્યા તથા તેનાં ખસીકરણ પાછળ 2017નાં વર્ષથી અત્યાર સુધી થયેલાં ખર્ચ અંગેની વિગતો મેળવવા માટે અરજી કરી હતી. આ અરજીનો 19મી માર્ચનાં રોજ જવાબ આપવામાં આવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, “વર્ષ 2010માં માન્ય સંસ્થા હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ દ્રારા થયેલા સર્વે મુજબ શહેરમાં 2,10,852 કૂતરાંઓ હતાં. જયારે વર્ષ 2018માં માન્ય સંસ્થા ગોલ ફાઉન્ડેશન દ્રારા થયેલા સર્વે મુજબ શહેરમાં 1,48,467 કૂતરાં હોવાની હકીકત વર્ણવી હતી.

આ કૂતરાંઓનાં ખસીકરણ પાછળ છેલ્લાં ત્રણ વર્ષ એટલે કે 2017, 2018 અને 2019માં મળીને કુલ રૂપિયા 6,04,34,892ની રકમ ખર્ચ કરી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સી.એન.સી.ડી. વિભાગે અરજદારને ફરી વાર 1લી જુલાઇનાં રોજ જવાબ પાઠવ્યો હતો. તેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 6,59,50,292નો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું. જયારે કૂતરાંની સંખ્યા 1,80,000 હોવાનું કહ્યું છે. આમ, માત્ર ચાર જ મહિનામાં બંને આંકડાઓમાં વિસંગતતા જોવા મળતાં અરજદાર ખુદ મૂંઝવણમાં છે કે, બંને હકીકતો બદલાઇ કેવી રીતે ગઇ તે બાબત શંકા જન્માવનારી છે.

ખસીકરણ પાછળ કયા વર્ષમાં કેટલો ખર્ચ?

વર્ષ  ખર્ચની રકમ
2017 1,99,58,316
2018 1,35,54,876
2019 2,69,21,700

 

સામાજિક કાર્યકર ભરતસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, “કોર્પોરેશને ખોટી, અધૂરી અને અપુરતી વિગતો આપી છે. આ વિગતો અનુસાર શહેરમાં કૂતરાંની સંખ્યા ઘટી છે. તેની સામે કૂતરાંનાં ખસીકરણ પાછળનો ખર્ચ સતત વધતો જાય છે. આ તદ્દન વિપરીત બાબત છે. કોર્પોરેશન દ્રારા કૂતરાંની ગણતરી તથા ખસીકરણ પાછળ થયેલા ખર્ચની તપાસ નિવૃત જજને સોંપવામાં આવે તો આમાં ઘણી ગેરરીતિ અને ભ્રષ્ટ્રાચાર બહાર આવશે.”

(7:21 pm IST)