ગુજરાત
News of Saturday, 1st August 2020

સુરતમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સિક્યુરિટી ગાર્ડનું માથું ફોડનાર ત્રણ મિત્રોની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

સુરત:માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા ઉગત-ભેંસાણ રોડ સ્થિત વીર સાવરકર હાઇટ્સના પ્રમુખની સૂચનાનું પાલન કરાવી બહારની વ્યક્તિને પ્રવેશ નહિ આપનાર સિક્યુરીટી ગાર્ડનું માથું ફોડી નાંખનાર 3 મિત્રોની પોલીસે ધરપકડ કરી છે.
કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં લઇ ઉગત-ભેંસાણ રોડ સ્થિત વીર સાવરકર હાઇટ્સના કેમ્પસને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેથી વીર સાવરકર હાઇટ્સના પ્રમુખે જે કાર અને ટુ વ્હીલર પર કોમ્પ્લેક્ષના સ્ટીકર હોય તે જ વ્હીકલને પ્રવેશની પરવાનગી આપવા સિક્યુરીટી ગાર્ડને સૂચના આપી હતી. દરમ્યાનમાં બુધવારે રાત્રે મેઇન ગેટ પર સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા વિપુલ દિનેશ પટેલ (ઉ.વ. 27 રહે. સતાધાર સોસાયટી, ઉગત-ભેંસાણ રોડ) અને જીગર રાવલે બાઇક નં. જીજે-05 પીએફ-2669 પર આવનાર ત્રણ યુવાનોને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ બાઇક સવાર ત્રણેય મિત્રોએ વિપુલ અને જીગર સાથે ઝઘડો કરી વિપુલના માથું ફોડી નાંખ્યું હતું અને ભાગી ગયા હતા. આ ઘટનામાં રાંદેર પોલીસે બાઇકના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ હાથ ધરી રાજુ નાથુભાઇ સૂર્યવંશી (ઉ.વ. 23 રહે. એસએમસી આવાસ, સરસ્વતી સ્કુલ નજીક અડાજણ, રોહિત સંતોષ બોડરે (ઉ.વ. 19 રહે. એસએમસી આવાસ, હનીપાર્ક રોડ) અને રવિ કિશન કાપસે (ઉ.વ. 24 રહે. મફત નગર ખુલ્લા મેદાનમાં, લસકાણા) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:22 pm IST)