ગુજરાત
News of Saturday, 1st August 2020

રક્ષાબંધન પર પણ મંદીનો માર

મીઠાઇ અને રાખડીની માંગમાં જોરદાર ઘટાડો : કુરીયરમાં પણ પ૦ ટકાથી વધુ ઘટાડો

અમદાવાદ, તા., ૧: કોરોનાનું ગ્રહણ ભાઈ-બહેનના  પવિત્ર તહેવાર રક્ષાબંધનને પણ લાગ્યું  છે. તહેવારને માંડ ગણતરીના દિવસો  બાકી રહ્યા છે ત્યારે બજારમાં રાખડીનું  માત્ર ૩૦ ટકા જેટલું વેચાણ થયું  હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.  રાખડીના કુંરિયરમાં પણ ૫૦ ટકાથી    વધુ ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં  રાખડી, મીઠાઈ, સોના-ચાંદીની રાખડી,    ભાભી ને નણંદ તરફથી પહેરાવાતા  લુમ્બા વગેરેની માંગ જાણે સાવ ઘટી  ગઈ છે. બજાર સૂમસામ છે, ખરીદી  ફીકી છે. સોના સાથે ચાંદી અને  ડાયમંડની રાખડીનું વેચાણ પણ આ  વર્ષે નહિવત્  છે. સોના-ચાંદીના ભાવ  આસમાને છે, તેને લઈ લોકોએ ખરીદી  બંધ રાખી છે.    તહેવારમાં સોના-ચાંદીની રાખડી  સાથે રોકાણ કરવા માટે આવી વસ્તુની  ખરીદી કરતા હોય છે. જવેલર્સ દ્વારા    દ્વારા ૫૦૦ રૂપિયાથી લઇને ૧ લાખ  સુધીની આવી રાખડી બનાવાઈ છે.  આ વર્ષે થાબડી, પેંડા, કાજુકતરી  સહિતની મીઠાઈની માંગમાં પણ ૫૦  ટકા જેટલો ઘટાડો થયો છે.    શહેરમાં ગત રક્ષાબંધને ૫ લાખ  કિલોથી વધુ મીઠાઈ બની હતી, જેઆ  વર્ષે ઘટીને ૨ લાખ કિલોનો અંદાજ છે,  જેનું કારણ ભાઈનું મોં મીઠું કરાવવા  માટે બહેનો હોમ મેડ મીઠાઈ-ચોકલેટ  ૫ર પોતાની પસંદગી ઉતારી રહી છે.  કોરોનામાં શરદી-ઉધરસ ના થાય તે  માટે લોકો મીઠાઈ ખાવાનું ટાળી રહ્યા  છે. બજારમાં આયુર્વેદિક મીઠાઈનો ટ્રેન્ડ  શરૂ થયો છે.    દર વર્ષે બહેનો તરફથી બીજાં  રાજયમાં મીઠાઈ અને રાખડી મોકલવા  માટેના ઓર્ડર એક સપ્તાહ પહેલાં જ  નોંધાઈ જતા હોય છે. તેના બદલે આ  વખતે ઓર્ડર નથી. શહેરોમાં મહત્તમ  કન્ટેન્મેન્ટ વિસ્તાર હોવાથી કુરિયર  પહોંચી ન શકતાં બહેનોએ ખરીદી  કરવાનું ટાળ્યું છે. રક્ષાબંધને શહેરમાં  ૨૦ કરોડથી વધુ વેપાર થાય છે.

(3:50 pm IST)