ગુજરાત
News of Saturday, 1st August 2020

શહેરમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી મંજૂરી આપવાની માગ

હોટલ સંચાલકો ભારે નારાજ થયા : હોટલ એસોસિએશન દ્વારા જોરદાર વાંધો ઉઠાવીને આ સમયગાળો ૧૨ સુધી લંબાવવામાં આવે તેવી માગ કરાઈ

અમદાવાદ, તા. ૩૧ : કોરોના વાયરસ કાબૂ મેળવવા માટે જરૂરી દેશ તથા રાજ્યમાં લાગુ કરાયેલા લોકડાઉનની ધંધા અને રોજગાર પર માઠી અસરો પડી છે. આવામાં અનલોક દરમિયાન છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકારે પણ આ દિશામાં મહત્વના પગલા ભર્યા છે. આમ છતાં થિયેટર ખોલવાની મંજૂરી નથી અપાઈ અને હોટલ ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આવામાં હોટલ એસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં રાત્રી કર્ફ્યૂમાંથી મૂક્તિ આપવાનો નિર્ણય કરાયો છે,

           સાથે દુકાનો રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી અને હોટલોને ૧૦.૦૦ વાગ્યા સુધી કામગીરી કરવાની મંજૂરી અપાઈ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મુદ્દે હોટલ એસોસિએશન દ્વારા વાંધો ઉઠાવીને આ સમયગાળો ૧૦.૦૦ થી રાતના ૧૨.૦૦ સુધી લંબાવવામાં આવે તેવી માગણી કરાઈ રહી છે. આ અંગે એસોસિએશન દ્વારા તેમના ધંધા-રોજગાર પર અસર પડી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ પોતાની વાત રજૂ કરીને જણાવ્યું છે કે, હોટલનો વેપાર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, આ કારણે હોટલ ચલાવવાનો ખર્ચ પણ નીકળતો નથી. હોટલ એસોસિએશન દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી.

આજે અનલોક-૨નો અંતિમ દિવસ છે, આ પછી છૂટછાટો વધારવામાં આવી છે. જેમાં રાત્રિ કર્ફ્યૂથી મુક્તિ સહિતની વાત કરવામાં આવી છે. જોકે, થિયેટર ખોલવાની મંજૂરી આપવામાં નથી આવી.

(9:51 pm IST)