ગુજરાત
News of Saturday, 2nd July 2022

એક જ દિવસમાં બે દિપડાએ પશુપાલકોનાં બે બકરાનો શિકાર કર્યો અને બેબસ પશુપાલકો કશુ ન કરી શક્‍યા : ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ

એક ઘટનામાં પશુપાલકની સામે જ શેરડીનાં ખેતરમાંથી નિકાળી દિપડો એક બકરીને ઉઠાવી ગયો તો અન્‍ય ઘટનામાં ગામમાં આવી દિપડો બકરાને ઉચકી ગયો

ભરૂચ તા.૦૨ : ભરૂચનો ઝઘડિયા તાલુકો જંગલ વિસ્‍તારમાં આવવાનાં કારણે અહિ ગામોમાં અવાર-નવાર જંગલી પ્રાણીઓની અવર-જવર થતી જોવા મળે છે. અને તેમાં પણ ખાસ કરીને આ જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાક વિસ્‍તારમાં ચડી જતા હોવાથી માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્‍યારે ફરી એકવાર ઝઘડિયાનાં કપલસાડીમાં ગામમાં ઘસી આવી દિપડાએ બે બકરાઓનાં શિકાર કર્યા હોવાની ઘટના સામે આવતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

છેલ્લા ઘણા સમયથી ઝઘડિયા જીઆઇડીસીમાં પણ દીપડાઓ વારંવાર નજરે પડતા હોવાના વીડિયો વાઈરલ થયા છે.

કેટલાક દીપડાઓ જીઆઈડીસી વિસ્તારમાં મૃત હાલતમાં પણ મળી આવ્યા છે, તો કેટલીક વાર શિકારની સોધમાં દીપડાઓ ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘુસી આવે છે. એવો જ એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે.

ઝઘડિયા જીઆઇડીસી નજીક આવેલા કપલસાડી ગામનો એક પશુપાલક ગતરોજ પોતાના બકરા ચરાવવા જતો હતો. તે દરમિયાન ગામની પાછળ આવેલા શેરડીનાં ખેતરમાંથી અચાનક દીપડો નીકળી પશુપાલકની નજરો સામેજ બકરાને ખેતરની અંદર ઉચકી લઈ ગયો હતો. બાદ એ જ દિવસે સાંજે પાંચ વાગ્યાનાં અરસામાં તેઓનાજ ગામમાં આવીને બિજા એક બકરાને દીપડો ઊંચકી ગયો હોવાથી પશુપાલક તેમજ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે

(8:42 pm IST)