ગુજરાત
News of Saturday, 2nd July 2022

અમદાવાદ પ. રેલ્‍વે ડિવીઝન મંડળે નુર લોડિંગમાં રૂા.1700 કરોડની આવકનો આંકડો પાર કરી લીધોઃ એક જ મહિનામાં 4 મિલીયન મેટ્રિક ટનની વધુ માલનું લોડિંગ

બિઝનેશ ડેવલપમેન્‍ટ યુનિટના સક્રિય માર્કેટીંગ પ્રયાસો અને નીતિઓમાં ફેરફારના કારણે સિદ્ધિ મળી

અમદાવાદઃ પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવીઝન (મંડળ) તેની આવક વધારવા અને તેની ગતિ જાળવી રાખવા માટે શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના સક્ષમ નેતૃત્વ હેઠળ, અમદાવાદ મંડળે 30 જૂન, 2022ના રોજ નૂર લોડિંગમાં રૂ. 1700 કરોડની આવકનો આંકડો પાર કરી લીધો છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ. 1197.18 કરોડ કરતાં 56.35% વધુ છે. મંડળે જૂન મહિનામાં 4 મિલિયન મેટ્રિક ટનથી વધુ માલનું લોડિંગ કરીને રૂ.658.99 કરોડની આવકનો આંકડો પાર કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે.

મંડળ રેલ પ્રબંધક જૈને માહિતી આપતાં જણાવ્યું હતું કે, મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સક્રિય માર્કેટિંગ પ્રયાસો અને નીતિઓમાં ધરખમ ફેરફારોને કારણે સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મળી છે. નીતિઓમાં વ્યાપક ફેરફાર અને વિવિધ ક્ષેત્રોમાં મંડળ દ્વારા મહત્તમ માર્કેટિંગ પ્રયાસોના પરિણામે આવકમાં સતત વધારો થયો છે. અમદાવાદ મંડળ પર સૌથી વધુ નૂર લોડિંગની આવક ગાંધીધામ ક્ષેત્રમાંથી આવે છે. ગાંધીધામ વિસ્તારમાંથી જૂન 2022માં રેકોર્ડ નૂર લોડિંગ કરવામાં આવ્યું છે.જે પ્રમાણે છે.

મહત્વના મુદ્દાઓ

· જૂન 2022ના મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ કુલ માસિક 67205 વેગનનું લોડિંગકરવામાં આવ્યું જે અગાઉના સર્વશ્રેષ્ઠ વેગન કરતાં 4.18% વધારે છે. ગયા વર્ષની સર્વશ્રેષ્ઠ 64510 વેગન હતી, જે ગયા મહિને મે 2022 માં હાંસલ કરવામાં આવી હતી.

· જૂન 2022 મહિનામાં 2240.17 વેગન /દિવસનું ઉચ્ચત્તમ સરેરાશ દૈનિક વેગન લોડિંગ કરવામાં આવ્યું. જે અગાઉના સર્વશ્રેષ્ઠથી 7.64% વધુ છે. અગાઉના સર્વશ્રેષ્ઠ 2081.18 વેગન /દિવસ હતું. જે અગાઉના મહિને મેં 2022માં પ્રાપ્ત કર્યું હતું

· જૂન 2022 ના મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ માસિક રેક લોડિંગ 1395 રેક છે. જે અગાઉના સર્વશ્રેષ્ઠ રેક કરતા 1.31% વધારે છે. ગયા વર્ષના સર્વશ્રેષ્ઠ 1377 રેક હતા જે ગયા મહિને મે 2022 માં પ્રાપ્ત થયા હતા.

· જૂન 2022 ના મહિનામાં 46.5 રેક/દિવસનું સૌથી વધુ દૈનિક સરેરાશ રેક લોડિંગ કરવામાં આવ્યા. જે અગાઉના સર્વશ્રેષ્ઠ કરતાં 4.73% વધારે છે. ગયા વર્ષનો સર્વશ્રેષ્ઠ 44.4 રેક/દિવસ હતો જે ગયા મહિને મે 2022માં પ્રાપ્ત થયા હતા.

· જૂન 2022 ના મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ માસિક નૂર લોડિંગ 3.5MMT (મિલિયન મેટ્રિક ટન) છે, જે અગાઉના સર્વશ્રેષ્ઠ કરતાં 5.74% વધુ છે. ગયા વર્ષનું સર્વશ્રેષ્ઠ 3.31 મિલિયન મેટ્રિક ટન હતું જે ગયા મહિને મે 2022 માં પ્રાપ્ત થયું હતું.

· જૂન 2022 ના મહિનામાં અત્યાર સુધીની સૌથી વધુ માસિક નૂર આવક 578.44 કરોડની આવક થઈ છે. જે અગાઉના સર્વશ્રેષ્ઠ કરતાં 8.67% વધુ છે. ગયા વર્ષનું સર્વશ્રેષ્ઠ 532.27 કરોડ હતું જે લગભગ 7.5 વર્ષ પહેલાં ડિસેમ્બર, 2014માં પ્રાપ્ત થયા હતા.

(5:35 pm IST)