ગુજરાત
News of Friday, 2nd July 2021

સિવિલમાં બેડ ન મળતા ઈજાગ્રસ્તે વતન જવું પડ્યું

શિવરંજની હિટ એન્ડ રનનો ભોગ બનેલાની કઠણાઈ : અસારવા સિવિલમાં તેમને સારવાર મળી નહોતી, ત્રણેયની સારવાર દાહોદની ખાનગી હોસ્ટિપલમાં ચાલી રહી છે

અમદાવાદ,તા. : સોમવારે શિવરંજની વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા સતુ ભાભોરના ૨૦ વર્ષના દીકરા રુપેશ ભાભોરે બુધવારે જણાવ્યું હતું કે, તેની પાસે તેના વતન દાહોદ પરત ફરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. કારણ કે, તેમને અસારવા સિવિલ હોસ્પિલમાં સારવાર મળી નહોતી.

મારા પિતા બાબુભાઈ અને મારા ભાઈઓ વિક્રમ તેમજ જેતન પર કાર ચડી ગયા બાદ કોઈએ ૧૦૮ને ફોન કર્યો હતો અને અમને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ તેમને ત્યાં કોઈ સારવાર મળી નહોતી અને તેથી અમે દાહોદ પરત ફરવાનું નક્કી કર્યું હતું', તેમ જણાવ્યું હતું.

દરમિયાન તેની આંખમાંથી દડ-દડ કરતાં આંસુ વહેવા લાગ્યા હતા અને દુઃખના કારણે તેને બોલવા માટે શબ્દો પણ જડી રહ્યા નહોતા. બાબુના ભત્રીજા, પ્રવિણ ભાભોરે કહ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે આશરે કલાકે તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ તેમને ત્યાં કોઈ સારવાર આપવામાં આવી નહોતી અને સવારે વાગ્યા સુધી તો દાખલ પણ નહોતા કર્યા.

તેણે ઉમેર્યું હતું કે, ડ્યૂટી પર રહેલા ડોક્ટરને જ્યારે મેં તેમની સારવાર વિશે પૂછ્યું તો, તેમણે જણાવ્યું હતું કે કેટલાક સીનિયર ડોક્ટરો બપોરે ૧૧ વાગ્યાની આસપાસ આવશે અને બાદમાં તેમને બેડ મળશે. ત્યાં સુધી તેઓ ગંભીર ઈજા સાથે બાકડાં પર બેસી રહ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, ૧૦૮ના પેરામેડિક્સ દ્વારા તેમને માત્ર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

દુર્ઘટનામાં, બાબુના માથાના ભાગે, જમણા હાથ પર અને શરીર પર સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે જેતનની પાંસળી તૂટી ગઈ હતી. તો વિક્રમનો હાથ ફ્રેક્ચર થયો હતો.

'મારા સંબંધીઓને સારવાર મળી રહી હોવાથી, અમે દાહોદ તાલુકામાં આવેલા અમારા ગરબાડા જવાનું નક્કી કર્યું હતું. અમે અમારા કાકીનો મૃતદેહ પણ દાહોદ લઈ ગયા હતા અને બુધવારે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા', તેમ પ્રવિણે જણાવ્યું હતું.

(9:24 pm IST)