ગુજરાત
News of Thursday, 2nd July 2020

પતિને માતા-પિતાથી દૂર રાખવાએ માનસિક ક્રૂરતા

પરિવારને પિંખી નાખતી પરિણાતો માટે ચેતવણી : સુરતની પરિણિતાએ પતિ પર માતા-પિતાથી મિલ્કતમાં ભાગ લઈ અલગ રહેવા દબાણ કરતા કોર્ટે છૂટાછેડા આપ્યા

સુરત, તા. : શહેરના ઉધના ખાતે રહેતા પરિવારમાં પરણીને સાસરે આવેલી પરણીતાએ પોતાના સાસુ સસરાથી અલગ રહેવા માટે પતિ ઉપર દબાણ કરતા મામલો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો. પતિએ છુટાછેડા માટે દાખલ કરેલી દાવા અરજી કોર્ટે મંજૂર રાખવા સાથે એવુ જણાવ્યું હતું કે, પતિને તેના માતા પિતાથી અલગ રહેવા દબાણ કરવું એક પ્રકારની માનસિક ક્રુરતા છે. વિગતો અનુસાર, ઉધના ખાતે રહેતા સતીષ કુમાવતના લગ્ન આરતી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ થોડા સમયમાં આરતી ગર્ભવતી બની હતી અને તેણે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર જન્મ બાદ થોડા દિવસોમાં આરતીએ પતિ સતીષ ઉપર દબાણ કરવાનું શરૂ કર્યું હતું કે, મારે સંયુક્ત કુટુંબમાં રહેવુ નથી અલગ ઘર રાખીને રહેવું છે. વાતે ધીમે ધીમે ઝગડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક દિવસ આરતીના પિતા આવીને તેણીને બે દિવસ પિયર લઇ જવાનું કહીને લઇ ગયા હતા.

        બાદમાં આરતીને પરત સાસરે મોકલી હતી. તેમજ કેસ દાખલ કર્યા હતા. થોડા દિવસ બાદ આરતીને સમજાવીને તેની સાથે સમાધાન કરીને સતીષ તેને પરત ઘરે લઇ આવ્યો હતો. તેમજ આરતીને સમજાવીને તમામ કેસ પરત ખેંચવા રાજી કરી હતી. થોડા દિવસ બાદ ફરી વખત આરતી પિયર જતી રહી હતી અને જ્યારે સતીષ તેને તેડવા માટે ગયો ત્યારે એવુ કહ્યું હતું કે, તું તારા મા બાપથી અલગ થઇ અને તારા હિસ્સાની મિલકત લઇ આવે તો હું તારી સાથે આવીશ. દરમિયાન આરતીનો ભાઇ સતીષને લોખંડનો પાઇપ લઇને મારવા પણ દોડ્યો હતો બાદમાં વ્યારા ખાતે આરતીએ ભરણ પોષણ માટે દાવો દાખલ કર્યો હતો. જો કે, વ્યારા કોર્ટમાં સતીષે પત્ની આરતીને તેડી જવાની તૈયારી બતાવી હતી પરંતુ તે સાથે આવા રાજી થઇ હતી અને કોર્ટની તારીખોમાં આવવાનું પણ તેણે બંધ કર્યું હતું. જેથી સતીષે સુરત ફેમિલી કોર્ટમાં પોતાના એડવોકેટ પ્રીતિ જોશી મારફત છુટાછેડાનો દાવો દાખલ કર્યો હતો. કેસમાં કોર્ટે એડવોકેટની દલીલોને ગ્રાહ્ય રાખી અને અરજદાર પતિના દાવાને મંજૂર રાખ્યો હતો. તેમજ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે, પતિને મા-બાપથી અલગ રહેવા દબાણ કરવું એક પ્રકારની માનસિક ક્રુરતા ગણી શકાય.

(9:39 pm IST)