ગુજરાત
News of Thursday, 2nd July 2020

નર્મદા જીલ્લામાં મનરેગાના કામની ઇ-ટ્રેન્ડરીંગ પ્રક્રિયા કોઈ એક વ્યક્તિને ફાયદો કરાવવાના ઇરાદાથી બહાર પડાઈ હોવાના આક્ષેપ સાથે આવેદન

સી.એમ.ને સંબોધીને લખેલું આવેદન નર્મદા કલેક્ટરને સુપ્રત કર્યું : આ ટેન્ડરીંગની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવા નર્મદા જિલ્લાના ૨૨૨ ગ્રામ પંચાયતના સરપંચો એકસુર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મનરેગાના કામમાં જીલ્લા પંચાયત દ્રારા ઇ-ટ્રેન્ડરીંગની પ્રક્રિયામાં કોઈ એક વ્યક્તિને ફાયદો કરાવવાના ઇરાદાથી અમુક શરતો ઉમેરીને ટેન્ડર બહાર પાડેલ હોય જે ટેન્ડરીંગની પ્રક્રિયાને તાત્કાલિક બંધ કરવા આવેદનપત્ર સીએમને સંબોધતું આવેદન નર્મદા કલેક્ટરને આપવામાં આવ્યું હતું.
            આવેદનમાં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લામાં સરકારની મનરેગા યોજનાથી ગ્રામ પંચાયત દ્વારા થતા કામોમાં ગામના લોકોને રોજગારી અપાતી એક આર્શીવાદરૂપ યોજના છે. જેમાં અત્યાર સુધી મનરેગાના કામો ગ્રામ પંચાયત હસ્તક કરવામાં આવતા હતા.જેમાં ગામના ગરીબ અને બેરોજગાર પ્રજાની રોજગારી મળી રહેતી હતી. હાલમાં ગરીબોના હકકનો આ કોળીયો છીનવી લેવા સરકારે ઇ-ટ્રેન્ડરીંગની પ્રથા લાગુ કરી જે કામો હવે બહારના કોન્ટ્રાકટરો પણ કરશે તેવી રીતે ઓનલાઇન ટેન્ડર ભરી મોટો ભસ્ટ્રાચાર કરવામાં આવી રહયો છે. જે હેતુથી કોઈ એક જ વ્યકિતને ફાયદો થાય તેવી શરતો મુકીને હાલમાં ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે.
           કેન્દ્ર સરકાર તેમજ રાજય સકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પાંચ લાખથી નીચેના કામો ગ્રામ પંચાયતના નેજા હેઠળ તેમજ સરકારની આગેવાનીમાં પાંચ લાખ નીચેના વિકાસના કામો થતા હોય છે. જયારે હવે તેવા જ કામો મનરેગા શાખા,નર્મદા જિલ્લા પંચાયત દ્રારા ઇ-ટેન્ડરીંગ તા.૧૮/૬/૨૦૨૦ નારોજ બહાર પાડવામાં આવેલ છે. જેમાં સરકારી ચોપડે નોંધાયેલ કોન્ટ્રકટર, જી.એસ.ટી ભરતા હોય અને લાખોનું ટર્નઓર્વર કરતા હોવ એવા જ કોન્ટ્રાકટર કે એજન્સીઓ ટેન્ડર ભરી શકે તેવા નિયમો/શરતો બહાર પાડી ટેન્ડર બહાર પાડેલ છે.આમ ટેન્ડર બહાર પાડનારોએ કોઇ એક જ વ્યકિતને ફાયદો થાય તેવા નિયમો ઉમેરીને બહાર પાડેલ છે. જેથી આ જીલ્લાના કોઇ પણ સરપંચ કે વ્યકિતનો સમાવેશ થઈ શકે નહીં
             ગુજરાત સરકારના ૨૦૧૪ના પરિપત્ર બાદ આવા પ્રકારના નિયમોવાળું સૌ પ્રથમ આ વર્ષે આ જીલ્લામાં ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. જયારે અન્ય કોઇ જીલ્લામાં આવા પ્રકારના નિયમોવાળું ટેન્ડર બહાર પાડવામાં આવેલ નથી તેમજ જીલ્લાનુ સંયુકત ટેન્ડર આજદિન સુધી કોઇ પણ જીલ્લામાં બહાર પાડવામાં આવેલ ન હતું. આમ મોટો ભષ્ટ્રાચાર થયેલાનું સ્પષ્ટપણે જણાય આવે છે જેના કારણે કોઈ એક જ જીલ્લા બહારના વ્યકિતને જ ફાયદો થઇ શકે. જેથી આવી ટેન્ડીરીંગની પ્રક્રિયાને તાત્કાલીક અસરથી બંધ કરવા રજુઆત કરવામાં આવી હતી.આ રજુઆતમાં નર્મદા જિલ્લા ની ૨૨૨ ગ્રામ પંચાયતના સરપંચો ની સહી થી આપવામાં આવ્યું હોય લાંબા સમય થી ચાલતી આ માથાકૂટ આખરે ક્યારે અને ક્યાં જઈ અટકશે એ જોવું રહ્યું.

(8:02 pm IST)