ગુજરાત
News of Friday, 2nd June 2023

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પુરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા વાહને રોડની સાઈડમાં ઉભેલ ટ્રકને હડફેટે લેતા ચાલકનું ગંભીર ઇજાથી મોત

આણંદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર સામરખા ગરનાળા પાસે  પુરઝડપે જતા કોઈ અજાણ્યા વાહને રોડની સાઈડમાં ટ્રક ઉભી રાખીને હવા ચેક કરતા ટ્રક ચાલકને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરાની મદદથી અજાણ્યા વાહનચાલકને  ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અંકલેશ્વર નજીક આવેલા કાપોદ્રા ગામે રહેતા મૂળ યુપીના સલાઉદ્દીનઅલી ઈસ્તીયાકઅલી સૈયદ (ઉં.વ.૪૦) બે દિવસ પહેલા ટ્રકમાં મહારાષ્ટ્રથી માલ ભરીને હિંમતનગર ગયા હતા અને ત્યાંથી માલ ભરીને મહારાષ્ટ્રના થાણે જવા માટે નીકળ્યા હતા. સવારે પોણા ચારેક વાગ્યા આસપાસ  એક્સપ્રેસ હાઈવે ઉપર સામરખા ગરનાળા પાસે ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખીને ટાયરની હવા ચેક કરતા હતા. દરમ્યાન અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી તથા આણંદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

(6:56 pm IST)