ગુજરાત
News of Friday, 2nd June 2023

આણંદ નજીક સામરખા ગામે જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ કરાતા પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ: આણંદ પાસેના સામરખા ગામની સીમમાં આવેલ ખેતીલાયક જમીન વેચાણ લેવા માટે પાંચ શખ્સોએ કાવતરું રચી વિદ્યાનગરના ખેડૂતને વિશ્વાસમાં લઈ તેની ખોટી સહીઓ કરી ખોટો પાવર ઓફ એટર્ની બનાવી રજિસ્ટ્રાર કચેરી ખાતે તેનો ઉપયોગ કરી વેચાણ દસ્તાવેજ  કરી છેતરપીંડી આચરવામાં આવી હોવાના બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે  આણંદ શહેર પોલીસે છેતરપીંડી આચરનાર પાંચ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાનગર ખાતે રહેતા મનુભાઈ કેશવભાઈ પટેલની સામરખા સીમમાં બ્લોક સર્વે નં.૭૬૯, ૭૭૦/૨વાળી જુની શરતની ખેતીલાયક જમીન આવેલ છે. વર્ષ-૨૦૨૨ના ઓગસ્ટ માસમાં મનુભાઈના સગા રાજુભાઈ પટેલ આણંદના વલાસણ ખાતે રહેતા નિરંજનભાઈ રમેશભાઈ પટેલને મળ્યા હતા અને નિરંજનભાઈ જમીન દલાલ હોઈ તેઓએ સામરખા સીમમાં આવેલ જમીન માટે બે ગ્રાહકો હોવાનું જણાવી જમીનના વધુ નાણાં અપાવવાનું કહ્યું હતું. જેથી આણંદ શહેરના રહીમાનગર સંદલી પાર્ક ખાતે રહેતા સત્તારભાઈ ગનીભાઈ વ્હોરા અને તારાપુરની ગ્રામ પંચાયત પાસે રહેતા ઈરફાનભાઈ ઉસ્માનભાઈ વ્હોરાને નિરંજનભાઈ પટેલે તેમની પાસે ઓળખાણ કરાવી જમીન વેચાણ રાખવા માંગતા હોવાનું કહ્યું હતું. જેમાં જમીન પેટે રૂા.૭.૧૫ કરોડ આપીશું તેવો વિશ્વાસ આપ્યો હતો. જેથી મનુભાઈએ જમીન વેચાણ આપવા સંમતિ દર્શાવી હતી. બાદમાં તા.૧૫-૯-૨૦૨૨ના રોજ રૂા.૮ લાખ બેંક મારફતે જમીનના બાના પેટે આપ્યા હતા.

(6:56 pm IST)