ગુજરાત
News of Tuesday, 2nd June 2020

8મીથી વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરના કમાડ ખુલ્લા મુકાશે : પ્રસાદ- ભોજન વ્યવસ્થા બંધ રહેશે

દરેક શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મંદિરમાં જવા દેવાશે.

અંબાજી : કોરોના સંકટ વચ્ચે માઈભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. વિશ્વ વિખ્યાત અંબાજીના કમાડ 8મી જૂનથી ખુલ્લા મુકાશે. કોરોના મહામારીને નાથવા છેલ્લે બે મહિનાથી વધુ સમયથી સમગ્ર દેશમાં લોકડાઉન હતુ જેને પગલે સમગ્ર દેશમાં બધા ધાર્મિક સ્થાનો બંધ કરાયા હતા. જો કે સરકારે લોકડાઉનમાંથી દેશને બહાર કાઢવા માટે ધીમે-ધીમે છૂટછાટ આપી રહી છે. તેના ભાગરૂપે દેશને 1લી જૂનથી 30મી જૂન સુધી અનલોક કરવામાં આવ્યુ છે.

વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરના કમાડ 8મી જૂનથી ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાશે. જોકે સરકારની માર્ગદર્શિકા મુજબ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક તકેદારીના પગલાં પણ લેવાયા છે. જે મુજબ ભક્તોને દર્શન માટે એક માત્ર શક્તિ દ્વારથી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ અને પ્રસાદ પણ આપવામાં નહીં આવે.

અંબાજી ટ્રસ્ટના વહીવટી વિભાગના કહ્યા મુજબ, સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલાક જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. દર્શન માટે આવતા માઈભક્તોને માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે. ભક્તોને મોહનથાળનો પ્રસાદ કે ભોજનાલયમાં અપાતા ભોજન પ્રસાદની વ્યવસ્થા હાલ પૂરતી બંધ રાખી છે.

મંદિરમાં ભક્તોના પ્રવેશ અપાતા પહેલા તેમના હેન્ડ સેનેટાઈઝ કરવામાં આવશે. મંદિરમાં પ્રવેશ પહેલા ભક્તોનું મેડિકલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ભોજન અને પ્રસાદનું કામ બંધ રાખ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે જગ્યા-જગ્યાએ સ્ટીકર અને અવેરનેસ માટે બેનર પણ લગાવ્યા છે.

મંદિરના ગર્ભગૃહમાં વધારે લોકો જમા ન થાય તે માટે 20 દર્શનાર્થીઓ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ દરવાજા બંધ કરીને એક માત્ર શક્તિ દ્વારથી જ પ્રવેશ અપાશે. મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને તેના પગરખા, પર્સ અને બેલ્ટ સહિતની વસ્તુઓ થેલીમાં પેક કરીને લગેજ રૂમમા આપવાની રહેશે.

મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને શક્તિ દ્વાર પાસે તહેનાત કરાયેલી મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ ઉપરાંત દરેક શ્રદ્ધાળુઓને સેનિટાઈઝ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મંદિરમાં જવા દેવાશે.

 

(7:38 pm IST)