ગુજરાત
News of Tuesday, 2nd June 2020

કોવીડ-૧૯ સમયે પોલીસે કેવી અભૂતપુર્વ કામીગીરી બજાવેલ? અૈતિહાસિક દસ્તાવેજની તૈયારી

દેશ-દુનિયાના ઇતિહાસમાં કોઇએ ન જોઇ હોય કે ન સાંભળી હોય તેવી મહામારીનો પડકાર કઇ રીતે ઝીલાયેલો ? નવી પેઢીની જાણકારી માટે ભગીરથ કાર્ય : અમદાવાદના નાયબ પોલીસ કમિશ્નર મકરંદ ચૌહાણના નેતૃત્વમાં ભવિષ્યની પેઢીને ધ્યાને રાખી આજ સુધી કદી ન થયું હોય તેવું અભિયાન

રાજકોટ, તા., રઃ દેશ-દુનિયાના ઇતિહાસમાં કયારે પણ કોઇએ જોયો કે સાંભળ્યો ન હોય તેવા કોરોના વાયરસની મહામારી તમામ માટે નવી હોવા છતા, વિવિધ તંત્રો સાથે જાનના જોખમે પોલીસે કઇ રીતે ફરજ બજાવેલી. હોસ્પિીટલ હોય કે કન્ટેન્ટમેન્ટ એરીયા કે પછી કોવીડ-૧૯ના આરોપીઓને પકડવામાં રખાયેલી તકેદારી સહિતની બંદોબસ્તની તમામ બાબતો  આવરી લેતા ઐતિહાસિક દસ્તાવેજનું નિર્માણ  કાર્ય અમદાવાદ પોલીસ દ્વારા ચાલી રહયાનું બહાર આવ્યું છે.

ગુજરાતમાં કોરોના પોઝીટીવના જેટલા કેસો છે તે કેસોમાં અમદાવાદની સંખ્યા ખુબ જ મોટી હોવા સાથે બાપુનગર વિસ્તારમાં પણ ૧૫૦૦ જેટલી સંખ્યા છે. અહીં પોલીસ પણ આ મહામારીમાં સપડાયેલ હોવાથી આ વિસ્તાર જેમની અંડરમાં આવે છે તેવા ઝોન-૩ના નાયબ પોલીસ કમિશ્નર મકરંદ ચૌહાણ દ્વારા આ કાર્યવાહી શરૂ થઇ છે, ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં ઐતિહાસિક દસ્તાવેજ તૈયાર થઇ રહયાની બાબતને સમર્થન આપ્યું છે.

અકિલા સાથેની વાતચીતમાં નાયબ પોલીસ કમિશ્નર શ્રી મકરંદ ચૌહાણે વિશેષમાં જણાવેલ કે આપણી પેઢી કે દર પેઢીમાં કોઇએ ન જોઇ હોય કે ન સાંભળી હોય તેવી આ જીવલેણ મહામારીમાં પોલીસ તંત્ર દ્વારા કેવી અભુતપુર્વ કામગીરી થયેલ તેનો ચિતાર ભવિષ્યમાં નવી પેઢીના પોલીસ અધિકારીઓ તથા  પોલીસ સ્ટાફને મળે તેવો હેતુ છે.  મહામારી ગમે તેવી મોટી હોય કે પડકારરૂપ પરંતુ પોલીસે પોતાની કુનેહથી સામનો કરવો જોઇએ તેવું દર્શાવવાનો હેતુ છે.

યોગાનુયોગ નાયબ પોલીસ કમિશ્નર મકરંદ ચૌહાણના ફાળે ભૂતકાળમાં પાટીદાર આંદોલનની જયાં સૌથી વધુ અસર હતી તેવા સુરતમાં પોલીસ બંદોબસ્તની જવાબદારી આવવા સાથે કચ્છમાં અનેક ચકચારી બાબતો સમયે પણ કસોટી થઇ જાય તેવી કામગીરી બજાવવાની તેમના ફાળે આવી હતી તે બાબત જાણીતી છે.

(11:17 am IST)