ગુજરાત
News of Monday, 1st June 2020

સુરતમાં કેરીનો ટેમ્પો એપાર્ટમેન્ટમાં આવતા રહીશો બાખડ્યા: સમગ્ર મામલે પોલીસ ફરિયાદ

કોની મંજૂરીથી ટેમ્પો એપાર્ટમેન્ટની અંદર ઘુસ્યો એવું પૂછતાં મામલો મારામારી સુધી પહોંચ્યો

સુરતમાં પોશ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કોરોનાની મહામારી વચ્ચે સોસાયટીના રહીશો વચ્ચે કેરીના ટેમ્પાને લઈને ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો, જેમાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને છેવટે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

રિપોર્ટ અનુસાર, કોરોનાની મહામારીને લઇને હજુ પણ સુરતના કેટલાક વિસ્તારોમાં બહારના લોકો અથવા તો અન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે, ત્યારે સુરતના ઘોડદોડ રોડ પર આવેલા ઇન્ડોર સ્ટેડિયમની સામે ગેલેક્સી એપાર્ટમેન્ટમાંમાં રહેતા પ્રતીક શાહ અને યોગેશ શાહે કેરીનો ટેમ્પો મંગાવ્યો હતો. જ્યારે કેરીનો ટેમ્પો એપાર્ટમેન્ટમાંથી બહાર જઈ રહ્યો હતો તે સમયે નરેશ સંઘવી નામના હીરા દલાલે કેરીના ટેમ્પાને અટકાવ્યો હતો અને કોની મંજૂરીથી ટેમ્પો એપાર્ટમેન્ટની અંદર પ્રવેશ્યો તે બાબતે ડ્રાઈવરને સવાલ કર્યા હતા.

ઘટનાની જાણ પ્રતીક શાહ અને યોગેશ શાહને થતા તે બંને ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે આવીને નરેશ સંઘવી સાથે બોલાચાલી શરૂ કરી હતી. બોલાચાલી દરમિયાન પ્રતીક અને યોગેશે નરેશ સંઘવીને તમાચો માર્યો હતો. જેથી ભાઇને માર ખાતો જોઈ નરેશનો મોટોભાઈ રૂપેશ સંઘવી વચ્ચે પડ્યો હતો અને બંનેએ પ્રતીક અને યોગેશને માર માર્યો હતો. એપાર્મેન્ટની વચ્ચે કેરીની બાબતને લઈને ઝઘડો શરૂ થઇ જતા એપાર્ટમેન્ટના લોકો એકઠાં થઇ ગયા હતા અને કોઈએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી.

મારામારીની ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ સ્ટેશનેથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર મામલે હીરા દલાલ નરેશે પ્રતીક અને યોગેશ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રતીક અને યોગેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

(12:13 am IST)