ગુજરાત
News of Saturday, 2nd June 2018

સરકારી કે નવી સોશ્યલ મીડિયાની ભાષામાં ફેક તારીખ તરીકે ઓળખાતી ૧ જુનના રોજ અનેક રાજકીય મહાનુભાવોના જન્‍મદિન

ગાંધીનગરઃ આજે ૧ જુન છે. અેટલે કે સરકારી કે નવી સોશિયલ મીડિયાની ભાષામાં ફેક તારીખ કહેવાતી ૧ જુનના રોજ અનેક વ્યક્તિઓ,મહાનુભાવો તેમજ રાજકીય નેતાઓ સહિત પ્રભાવી વ્યક્તિઓની જન્મ તારીખ હોય છે.

સમગ્ર દેશમાં જન્મ તારીખની નોધણી ફરજીયાત થઇ અથવા રેકોર્ડ રાખવાનું શરૂ થયું તે અગાઉ દાખલા વિના સામાન્ય રીતે શાળામાં નવા શૈક્ષણિક સત્રના જુન મહિનામાં પ્રવેશ વખતે જ ૧ જુન જન્મ તારીખમાં લખી દેવામાં આવતી હતી. આ સાથે તે પછીના સમયમાં કોઈ તેજસ્વી વિદ્યાર્થીનું વર્ષ બગડે નહિ તે માટે પણ ૩૦ જુલાઈ પછી જન્મેલા બાળકોની જન્મ તારીખ ૧ જુન લખી દેવામાં આવતી હતી. તો અગાઉ વડવાઓ દ્વારા સમય અને વાતાવરણ પ્રમાણે પોતાના બાળકનો જન્મ થયો હોવાનું કહેવામાં આવતું હતું. જેમાં મોટાભાગે શિક્ષકો દ્વારા ૧ જુન તારીખ જન્મ તારીખ નાખી દેવાતી હતી..! આમ આ એક જ દિવસે રાજ્યના ૩૦ જેટલા ધારાસભ્યો અને ૩ સંસદસભ્યો સહિત ૮૦ કરતા વધારે રાજકારણીઓ પોતાનો જન્મદિવસ ઉજવશે..!

જેમાં મંત્રી ગણપત વસાવા, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને મંગુભાઈ પટેલ સહિત અનેક વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જો કે, ખરેખર જેમની સાચી જન્મ તારીખ છે તેમને પણ પહેલી નજરે તો ફેક ડેટ સમજીને જ શુભેચ્છાઓ પાઠવવામાં આવે ત્યારે જન્મદિવસની ખુશી જાણે હસી મજાક બનીને રહી જતી હોય છે.

(6:26 pm IST)