ગુજરાત
News of Wednesday, 2nd May 2018

કૃષ્ણનગર : ૪.૩૦ લાખની મત્તાની ચોરીથી સનસનાટી

મહિલા છતથી નીચે આવી ત્યારે તસ્કરો ઘરમાં હતા : ૧૩ તોલા સોનું અને ૪૦ હજાર રોકડાની કરાયેલી ચોરી

અમદાવાદ,તા. ૨ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઠંડક અને ચેનથી સૂવા માટે ધાબા પર જતા હોય છે પરંતુ લોકોની આ આરામદાયકતાનો તસ્કરો ભરપૂર ફાયદો ઉઠાવે છે. શહેરના કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડ ખાતે એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીના ત્યાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જયાં પરિવારના લોકો ધાબા પર સૂવા ગયા હતા અને વહેલી પરોઢે ઘરની મહિલા નીચે આવી ત્યારે તસ્કરો આરામથી તેમના ઘરમાં ચોરી કરતા હતા, મહિલાએ પૃચ્છા કરી કે, તરત જ તસ્કરોએ ત્યાં સુધીમાં તો,  ૧૩ તોલા સોનું અને રૂ.૪૦ હજાર રોકડા સહિત કુલ રૂ.૪.૩૦ લાખની મત્તા પર હાથ સાફ કરી ચાલતી પકડી હતી. મહિલાએ ચોર ચોરની બૂમો પાડી પરંતુ ત્યાં સુધીમાં તો તસ્કરો પરોઢનો લાભ લઇ કારમાં પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કૃષ્ણનગર ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા અન એસટી વિભાગના નિવૃત્ત કર્મચારી સોમસિંહની પત્નીનું થાપાનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે સોમસિંહની દિકરી અને સાઢુ તેમા ઘેર રેકાવા માટે આવ્યા હતા. ગઇકાલે સોમસિંહ અને તેમના સાઢુ અગાસીમાં સૂઇ ગયા હતા ત્યારે સોમસિંહનો પુત્ર પુષ્પરાજસિંહ અને પૂત્રવધુ મનીષાબા ઘરને લોક મારીને ધાબે સૂવા માટે ગયા હતા. વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠીને મનીષાબા નીચે આવ્યા તો, તેમના ઘરના દરવાજા પાસે એક યુવક ઉભો હતો. મનીષાબાએ તેને તરત જ પૂછયું કે, ભાઇ કોણ છો અને અહીં શું કરો છો. મનીષાબાએ પૃચ્છા કરતાં જ યુવક ઇશારો કરી ત્યાંથી નીચે ઉતરી ગયો હતો, એટલામાં ઘરમાંથી બીજા ત્રણેય યુવકો પણ બહાર આવી ગયા હતા. મનીષાબાને ખબર પડી ગઇ એટલે તેમણે તરત જ ચોર ચોર..ની બૂમો પાડી પરંતુ ત્યાં સુધીમાં ચોરી કરવા આવેલા તસ્કરો ઘરમાંથી ૧૩ તોલા સોનું, ૪૦ હજાર રોકડા સહિત રૂ.૪.૩૦ લાખની મત્તા ચોરી બિન્દાસ્ત રીતે કારમાં પલાયન થઇ ગયા હતા. બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ ત્યાં દોડી આવી હતી અને તપાસ કરી તો માલૂમ પડયું કે, તસ્કરાએ દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. તો, અગાસીમાં સૂઇ રહેલા સોમસિંહ અને તેમના સાઢુ ઘરમાં ના આવી શકે તે માટે તે દરવાજા પણ અંદરથી બંધ કરી દીધા હતા અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે વખતે મનીષાબા નીચે આવ્યા ત્યારે તો તસ્કરો ઘરમાં બિન્દાસ્ત રીતે ચોરી કરતા હતા અને બાદમાં ત્યાંથી ભાગી છૂટવામાં પણ સફળ રહ્યા હતા. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(8:37 pm IST)