મુંબઈથી ઉદેપુર કાપડ ભરી જતી ટ્રક ગાજણ ટોલ પ્લાઝા પાસે સળગી ઉઠતા અફડાતફડી
ગાજણ:મુંબઈથી ઉદેપુર કાપડ ભરી જતી ટ્રક ગાજણ ટોલ પ્લાઝા નજીક રાત્રીના સમયે ભડભડ સળગી ઉઠતાં જ દોડધામ મચી હતી. અને ટ્રકમાં આગથી માર્ગની બંને તરફ ચકકાજામ સર્જાયો હતો. મોડાસાથી પ કીમી.દુર આવેલા ટોલ પ્લાજા એથી ગત સોમવારની રાત્રીના આઠ કલાકે માલ સામાન ભરેલ ટ્રક પસાર થઈ રહી હતી. જરુરી ટોલટેક્ષ ચુકવી આ ટ્રકનો ચાલક ટ્રક લઈ થોડેક અંતરે ગયો હતો.. ત્યારે જ આ ટ્રકમાં અગમ્ય કારણોસર આગભભૂકી ઉઠી હતી. અને જોત જોતામાં ભયંકર આગની જવાળાઓમાં કાપડ ભરેલી ટ્રક લપેટાઈ જતાં જ જાહેર માર્ગ ઉપર દોડધામ મચી હતી. માર્ગ ઉપર ભડભડ સળગી રહેલ ટ્રકના કારણે માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો જામી જતાં ચકકાજામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના ટોલ નાકાથી દુર સર્જાતાં અને ટ્રકનો ચાલક અને કલીનર પરિસ્થિતિ પારખી દોડી જતાં સદનસીબે જાનહાની અને મોટી હોનારત ટળી હતી.ફાયર ફાઈટર દ્વારા માંડે માંડે આગ ઉપર કાબૂ મેળવાયો હતો.