ગુજરાત
News of Wednesday, 2nd May 2018

સોનાના બિસ્કિટ આપવાનું કહી આણંદની ઠગ ટોળકીએ કરોડોની છેતરપિંડી આચરી

આણંદ: જિલ્લામાં છેલ્લા એક વર્ષથી અમદાવાદ-નડિયાદની ત્રિપુટીએ સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી, ધાર્મિક વિધિ કરવાના બહાને ૨૫ લાખ રૂપિયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ જતાં ફરિયાદ નોંધાવવા પામી છે. વધુમાં આ છેતરપિંડી અંદાજે એક કરોડ રૂપિયાને આંબે તેટલી મોટી હોવાનું હાલ પોલીસ માની રહી છે. આ અંગે હાલ આણંદ એલસીબી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે યુક્તિ મુજબ આણંદ જિલ્લામાં એક ત્રિપુટીએ સસ્તું સોનુ મેળવવાની લાલચ ધરાવતા પરિવારોને નિશાન બનાવી તેઓને થોડું સોનુ બતાવી અડધા રૂપિયા પડાવી લેતા. બાદમાં બાકીના સોના માટે તમારે ધાર્મિક વિધિ કરવી પડશે એમ જણાવી વિધિના બહાને રૂપિયા ખંખેરતા હતા. જેમાં તારાપુર, બોરસદ, ખંભાત અને માતર સહિતના જુદા જુદા વિસ્તારમાં લોભીયાઓને સોનાની લાલચ આપી ઠગી લીધા છે. આણંદ એલસીબી પોલીસના જણાવ્યા મુજબ હાલ છેતરપિંડીનો શિકાર બનેલા અને માતબર રકમ આપી ચૂકેલ કુલ ૭ થી ૮ જેટલી ફરિયાદોમાં ઠગાઇની રકમ ૮૦ લાખ ઉપરાંતની છેે. હજી આ આંકડો વધી શકે તેમ છે ત્યારે આ છેતરપિંડી એક કરોડ રૂપિયાની બહાર જાય તો નવાઈ નહીં. આ અંગે પોલીસે જુદી જુદી ટીમો બનાવી આ ચીટર ત્રિપુટીનો પતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:31 pm IST)