ગુજરાત
News of Tuesday, 2nd March 2021

રાજીનામા સ્વિકારાતાં ગુજરાત કોંગ્રેસ હાર્દિક પટેલના હવાલે

સ્થાનિક સ્વરાજ્યમાં પણ કોંગ્રેસની હારથી અફરાતફરી : કોંગ્રેસ નવા પ્રમુખનું નામ જાહેર ન કરે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ હાર્દિક સંગઠનની જવાબદારી સંભાળી શકે છે

અમદાવાદ, તા. ૨ : રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસને તાલુકા અને જિલ્લા પંચાયતો પર આશા હતી. ત્યારે આજે તે આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. ૨૦૧૫ના વર્ષમાં જિલ્લા અને તાલુકા પંચાયતો પર કોંગ્રેસનો દબદબો હતો. ત્યારે આ વખતે કોંગ્રેસને ત્યાંથી પણ જાકારો મળ્યો છે.

સ્થાનિક સ્વરાજ માટે એવું કહેવાતું હતું કે શહેરી મતદારો ભાજપના છે અને ગ્રામ્ય મતદારો કોંગ્રેસના છે. ત્યારે આ પરિણામોએ આ ધારણા બદલી નાંખી છે. ભાજપનું કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન જ્યારે પુરુ થાય ત્યાર ખરું, પરતું તે પહેલા કોંગ્રેસ મુક્ત ગુજરાતનું સ્વપન પુરુ થઇ રહ્યું છએ.

કોંગ્રેસના કારમા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓએ રાજીનામા આપ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હારની જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. તો આ તરફ કોંગ્રેસ હાઇકમાન્ડે તરત જ આ બંને નેતાઓના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

એટલે હવે એક રીતે જોતા ગુજરાત કોંગ્રેસ તેના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના હવાલે છે. જ્યાં સુધી કોંગ્રેસ નવા પ્રમુખનું નામ જાહેર ન કરે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સંગઠનની જવાબદારી સંભાળી શકે છે. આ સિવાય એવું પણ કહી શકાય કે આવનારા થોડા સમયમાં ગુજરાત કોંગ્રેસમાં કેટલાક નવા ચહેરાઓ પણ જોવા મળે તેવી શક્યતા છે.

(9:34 pm IST)