ગુજરાત
News of Tuesday, 2nd March 2021

ગાંધીનગરના સે-8ના યુવાને અગમ્ય કારણોસર ઘરમાં ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી મચી જવા પામી

ગાંધીનગર:શહેરના સે-૮માં આવેલી ચ-ટાઈપ વસાહતમાં રહેતા અને બેન્ક ઓફ ઈન્ડિયામાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં યુવાને ગઈકાલે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધીને જીવન ટુંકાવી લીધું હતું. પાડોશીને આ ઘટના અંગે જાણ થતાં સે-૭ પોલીસને બનાવથી વાકેફ કરી હતી જેના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. મૃતકના પરિવારજનો રાજસ્થાન હોવાથી તેમને પણ જાણ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-૮માં ચ-ટાઈપ વસાહતના બ્લોક નં.૭૧૫/૧માં રહેતા અને મુળ રાજસ્થાનના વતની એવા ૩૩ વર્ષીય પ્રહલાદ રામચંદ્ર મીણા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની હેડ ઓફીસમાં હેડકલાર્ક તરીકે ફરજ બજાવતાં હતા જયારે તેમના માતાપિતા અને ભાઈ રાજસ્થાન રહે છે અને તેમની પત્નિ સુમન પણ પ્રસુતિ માટે રાજસ્થાન ગઈ હતી. જયાં ચાર મહિના અગાઉ તેણે એક બાળકને જન્મ આપ્યો છે. ત્યારથી પ્રહલાદભાઈ ગાંધીનગરના મકાનમાં એકલા રહેતા હતા ત્યારે ગઈકાલે સવારના સમયે પ્રહલાદભાઈએ તેમના ઘરે પંખા સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. મકાનનો દરવાજો થોડો ખુલ્લો હોવાથી પાડોશી ઘરમાં જોતાં પ્રહલાદભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પોલીસને જાણ કરી હતી. જેના પગલે સે-૭ પોલીસ મથકના એએસઆઈ કનકકુમારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અકસ્માત મોતનો ગુનો નોંધી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ મોકલી આપ્યો હતો. રાજસ્થાનમાં તેમના પરિવારજનોને જાણ કરતાં મોડી રાત્રે તેમના પિતા આવી પહોંચ્યા હતા. જેમના નિવેદન બાદ આપઘાત અંગે કોઈ સચોટ કારણ પોલીસને જાણવા મળી શકશે. 

(4:38 pm IST)